હજીરા માઇનોરની મુખ્ય નહેરનું ભંગાણ રિપેર થતા 24 કલાકે કાર્યરત
- ત્રણ જેસીબી, બે પોકલેન, પાંચ હાઇવા, જનરેટર ડી-વોટરીંગ પંપ મુકાયા : ખેડૂતોને સમયસર પાણી મળતું થશે
સુરત
સિંચાઇ વિભાગમાંથી મંજુરી મળે તે પહેલા જ પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા સરોલી બ્રીજ નીચેથી પસાર થતી હજીરા માઇનોરની મુખ્ય નહેરની નીચેથી પાઇપલાઇન પસાર કરવા જતા નહેરમાં પડી ગયેલુ ગાબડુ રીપેરીંગ કરતા ૨૪ કલાક પસાર થયો હતો. આજે સવારથી નહેર ફરીથી મુળ સ્થિતિમાં આવી જતા ખેડુતોને સમયસર પાણી મળી રહેશે.
પાલિકાના રાંદેર ઝોન દ્વારા જહાંગીરપુરા સરોલી બ્રીજ નીચેથી પસાર થતી હજીરા માઇનોરની નીચેથી પાણીની પાઇપલાઇન નાંખવા માટે મંજુરી માંગી હતી. પરંતુ હાલમાં રોેટેશન ચાલી રહ્યુ હોવાથી મંજુરી આપવામાં આવી ના હતી. તેમછતા પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા શુક્રવારની રાત્રીના મુખ્ય નહેર નીચેથી પાઇપલાઇન પસાર કરવા જતા નહેરમાં મોટુ ગાબડુ પડી ગયુ હતુ. આ ગાબડુ પડયા બાદ સિંચાઇ વિભાગ દ્વારા તત્કાળ પાણી સપ્લાય બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ સિંચાઇ અધિકારી સતીષ પટેલ અને તેમની ટીમ દ્વારા ત્રણ જેસીબી, બે પોકલેન,પાંચ હાઇવા, જનરેટર અને ડી-વોટરીંગપંપ લાવીને નહેરનું સમારકામ શરૃ કરી દેવાયુ હતુ. ૨૪ કલાક સુધી સમારકામ ચાલ્યા બાદ આજે સવારે રીપેંરીગ થઇ જતા નહેર ફરીથી કાર્યરત કરી દેવાતા ખેડુતોના જીવમાં જીવ આવ્યો હતો.