12 કરોડ રૂપિયાની વ્હેલ માછલીની ઉલટી: ગુજરાતમાંથી ઝડપાયું 12 કિલો એમ્બરગ્રીસ
Mahuva Police Seize Whale Vomit Ambergris : સ્પર્મ વ્હેલ માછલીની ઉલટીને એમ્બરગ્રીસ નામના પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં આ એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હોવાની મહુવા પોલીસને જાણકારી મળતાં ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસે એમ્બરગ્રીસ પદાર્થની સાથે બે શખસોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
12 કરોડ રૂપિયાની વ્હેલ માછલીની ઉલટીનો જથ્થો મળી આવ્યો
મળતી માહિતી મુજબ, મહુવા પોલીસને સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસની તસ્કરીની બાતમી મળી હતી. ત્યારબાદ મહુવા પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પોલીસે 12 કિલોગ્રામ જેટલાં એમ્બરગ્રીસના જથ્થા સાથે જયદીપ શિયાળ અને રામજી શિયાળ નામના બંને વ્યક્તિને ઝડપી પાડીને ધરપકડ કરી હતી. માર્કેટમાં આ જથ્થાની કિંમત આશરે 12 કરોડ જેટલી છે. જ્યારે પોલીસની આ કાર્યવાહી બાદ ભાવનગર વાઈલ્ડ લાઈફ વિભાગની કામગીરી અને પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
શું હોય છે વ્હેલની ઉલટી?
આ પદાર્થને વ્હેલની ઉલટી કહેવામાં આવે છે પરંતુ આ સાચુ નથી. હકીકતમાં એમ્બરગ્રીસનો અર્થ ફ્રેન્ચમાં 'ગ્રે અંબર' થાય છે. તે મીણ જેવો એક પદાર્થ હોય છે જે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બને છે. સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે. આ પદાર્થ વ્હેલના પાચનતંત્રમાં બનતો હોવાથી તેને ઉલટી કહેવામાં આવે છે. આ વિશે હજુ પણ વિજ્ઞાન સંપૂર્ણ વિશ્વાસ સાથે નથી કહી શકતું કે એમ્બરગ્રીસ કેવી રીતે બને છે. એક સિદ્ધાંત કહે છે કે, વ્હેલ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ ખાઈ લે છે અને તેનો આકાર મોટો હોય છે ત્યારે તેને પચાવવા માટે વ્હેલના આંતરડાઓમાં આ પદાર્થ બને છે.
આ પણ વાંચો : VIDEO: સાવરકુંડલામાં ભાજપ નેતા-વેપારીઓ પર હુમલો, ત્રણ આરોપી ઝડપાયા એક ફરાર
એમ્બરગ્રીસ વ્હેલ માછલીના શરીરમાંથી બહાર કઈ રીતે નીકળે છે તેની પણ અનેક રીતો હોય છે. ઘણી વખત તે ગુદા દ્વારા બહાર નીકળે છે અને તેનો રંગ મળ જેવો હોય છે. તેમાં મળની તીવ્ર ગંધ પણ હોય છે, જેમાં દરિયાની ગંધ પણ ભળેલી હોય છે. જ્યારે તે વ્હેલના શરીરમાંથી નીકળે છે, ત્યારે તેનો રંગ આછો પીળો હોય છે અને તે જાડી ચરબી જેવી હોય છે. જો કે સમયની સાથે તે ઘાટી લાલ રંગની અને ઘણી વખત કાળી અથવા રાખોડી રંગની પણ બની જાય છે. ત્યારે તેની ગંધ માટી જેવી થઈ જાય છે.
આટલી મોંઘી કેમ?
આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત 1થી 2 કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે. તેની કિંમત તેની શુદ્ધતા અને ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જાણકારો જણાવે છે કે, આ ખૂબ જ દુર્લભ વસ્તુ છે તેથી તેની કિંમત ખૂબ જ ઊંચી છે. પરંપરાગત રીતે એમ્બરગ્રીસનો ઉપયોગ પર્ફ્યમ બનાવવામાં કરવામાં આવે છે. જો કે પહેલા તેનો ઉપયોગ ખાવામાં, તમ્બાકૂ અને આલ્કોહોલમાં ફ્લેનર માટે પણ કરવામાં આવતો હતો. એક ધારણા એ પણ છે કે એમ્બરગ્રીસ જાતીય શક્તિ વધારે છે. તેથી પણ આ પદાર્થની ખૂબ જ માંગ રહે છે અને ખૂબ જ ઊંચા ભાવે ખરીદવામાં આવે છે. મધ્ય પૂર્વ, પૂર્વી યૂરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં તેની ખૂબ જ માંગ છે.
આ પણ વાંચો : અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું કારખાનું ઝડપાયું, ચાર આરોપીની ધરપકડ
એમ્બરગ્રીસ લગભગ 40 દેશોમાં પ્રતિબંધિત છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશોમાં તેને રાખવી અને તેનો વ્યાપાર સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. ભારતમાં સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે અને તેનાથી બનનારા તમામ ઉત્પાદનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જો કે ભારતના તટીય રાજ્યો, ખાસ કરીને મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં તેનો વ્યાપાર વધ્યો છે.