મહુવાની પેઢીના નામે ખોટું લેટરપેડ અને બિલ બનાવી મહુવાના વેપારી સાથે 6.96 લાખની છેતરપિંડી
- ફોન ઉપર ઓર્ડર મેળવી વેપારીએ જયપુર માલ મોકલ્યો હતો
- મહુવાના વેપારીએ જયપુરની પેઢીને મોકલેલ માલનું બરોબર પેમેન્ટ મેળવી લેનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મહુવાના પરસીવલ પરામાં નૈતિક ટ્રેડર્સ નામની પેઢી અને માર્કેટિંગ યાર્ડમાં ગોડાઉન ધરાવતા વેપારી નૈતિકભાઇ વસંતરાય દોશી ( રહે.સત્ય સદન સોસાયટી,મહુવા ) એ મહુવા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,
ગઇ તા.૧૫/૦૧/૨૦૨૫ ના રોજ મો.નં.૭૬૦૦૦૨૯૪૦૫ પરથી અજાણ્યા વ્યક્તિએ ફોન કરી પોતે ચારભુજા આલુભંડાર જયપુર (રાજસ્થાન)થી બોલતા હોવાનું જણાવી અમારે ત્યાં ડુંગળીનો માલ વેચાણ કર વા મોકલી આપો, તમને સારા ભાવ અપાવીશ તેમ વાત કરતા જયપુર ખાતે આ ચારભુજા આલુભંડાર નામની ઓફિસ આવેલ છે તે સરનામું વેરીફાઇ કરીને તે જ દિવસે મહુવા માર્કેટીંગ યાર્ડમાંથી માલ ખરીદ કરી વેચાણ માટે કાંદાની થેલી-૬૯૧ કિલો-૩૪૭૯૦ મોકલવા માટે તૈયાર કરેલ અને ગાડી નં.આરજે-૩૪-જીબી-૭૦૮૮ મારફતે માલ મોકલી આપેલ, આ માલ અમે મહુવાના નુરાની ટ્રાન્સપોર્ટના માલીક રઝાકભાઇ મારફતે મોકલેલ જેમાં ડ્રાઇવરનો નં.૭૫૬૮૯૭૭૨૯૩ આપેલ હતો, આ માલ જયપુર મુકામે શ્રીચારભુજા આલુ ભંડાર, છ-૩૬, મુહાના મંડી, ટર્મીનલ માર્કેટ, સાંગાનેર, જયપુર મુકામે ઉતાર્યાની ખરાઇ ડ્રાઇવરને ફોન કરીને કરેલ હતી, આ માલ સુરેશ યાદવ જયપુર વાળાના નામ પર મંગાવેલ હતો, પરંતુ ખરેખર સુરેશ યાદવના નામે બીજા કોઇ વ્યક્તિએ મોબાઇલ નં.૭૬૦૦૦૨૯૪૦૫ પરથી વાતચીત કરેલ હતી, તેના કહેવા મુજબ આ માલ મોકલેલ હતો, અને માલ વેચાઇ ગયેલ, આ વખતે મો. નં.૭૮૦૨૯૯૪૮૩૫ ના ધારકે શ્રી ચારભુજા આલુ ભંડાર પાસેથી રૂ.૨,૦૦,૦૦૦ રોકડા મેળ વી લીધા હતા, તે વાત ચારભુજા આલુભંડારના માલીક સુરેશ યાદવ પાસેથી જાણવા મળેલ, તેમણે બીજા પૈસા મો. નં. ૭૮૦૨૯૯૪૮૩૫ ના ધારકને મહુવા મળે તે રીતે નાખેલ હતા, પરંતુ આ પૈસા માટે આંગડીયા ઓફિસમાંથી અજાણયા માણસને ફોન કરતા તેણે કહેલ કે આ પૈસા મને મહેસાણા મોકલી આપશો જેથી રૂ.૪,૯૬,૨૦૦ મહેસાણા મોકલેલ હતા, જે અજાણ્યા માણસે કમલેશ કાંતી નામની આંગડીયા પેઢીમાંથી ગઇ તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ ઉપાડી લીધા હતા. ઉપરાંત મો, નં.૭૬૦૦૦૨૯૪૦૫ ના ધારકે સ્વસ્તીક ટ્રેડીંગ કુ.જનરલ મર્ચન્ટ એન્ડ કમીશન એજન્ટ, સી/ઓ શીવ શક્તિ પાન સેન્ટર, નવાઝાપા, મહુવા જી.ભાવનગર નામની પેઢીનુ ખોટુ લેટરપેડ બનાવી તેમજ મુળ બીલ, બીલ્ટી ડ્રાઇવર પાસેથી લઇ બદલાવેલ હતી, જે સ્વસ્તીક ટ્રેડીંગ નામની ખોટી બીલ્ટી ડાયરેક્ટ સુરેશ યાદવ શ્રીચારભુજા આલુ ભંડાર જયપુર વાળાને આપેલ હતી, આ અમારા મોકલેલ માલનુ પેમેન્ટ તેઓએ સ્વસ્તીક ટ્રેડીંગ કુ. નામનુ બનાવટી બીલ્ટી બનાવી મેળવી લઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.મહુવા પોલીસે વેપારીએ આપેલ બે મોબાઈલ ફોનના ધારકો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૩૧૮(૪),૩૩૬(૨),૩૩૮,૩૩૬(૩),૩૪૦(૨) અને ૫૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.