મહીસાના પોસ્ટ માસ્તરે 1.94 લાખની હંગામી ઉચાપત કરી
સપ્ટેમ્બર 2024માં પોસ્ટ માસ્તરને સસ્પેન્ડ કરાયા હતા
ઓડિટમાં ગેરરીતિ બહાર આવતા પોસ્ટ માસ્તર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
કપડવંજ પોસ્ટલ કોલોનીમાં રહેતા ભરતકુમાર ભુરસિંહ પલાસ મહીસા સબ પોસ્ટ ખાતે સબ પોસ્ટ માસ્તર તરીકે નોકરી કરતા હતા. તેઓએ પોતાની ફરજ દરમિયાન સરકારી નાણા રૂ.૧,૯૪, ૭૨૪ ની હંગામી ઉચાપત કરી હતી. ખેડાના સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટને જાણ કરતા કપડવંજ સબ ડિવિઝનલ પોસ્ટ વિભાગના ઇન્સ્પેક્ટ વરૂણ કુમાર પંચાલે તપાસ કરી હતી. જેમાં તેઓઓે તા.૨૪/૦૪/૨૦૨૪ ના રોજ સબ પોસ્ટ ઓફિસ મહિસાની આકસ્મિત મુલાકાત લઇ સીલકની તપાસણી કરતાં સબ પોસ્ટ ઓફીસ મહિસામાં સિલક રૂ.૨,૩૦,૫૨૨.૬૯ હોવી જોઈએ તેની જગ્યાએ રૂ.૩૫,૭૯૮.૬૯ ની સીલક મળી આવી હતી.
ભરતકુમાર ભુરસિંહ પલાસે મહિસા સબ પોસ્ટ ઓફિસના સરકારી નાણા રૂ.૧,૯૪,૭૨૪ પોતાના અંગત કામમાં વાપરી નાખી ઉચાપત કર્યાનું જણાય આવ્યું હતું. બાદમાં બીજા દિવસે ભરતકુમાર ભુરસિંહ પલાસે તા. ૨૫/૦૪/૨૦૨૪ ના રોજ વરૂણ એન.પંચાલ સબ ડિવીઝનલ ઇન્સ્પેક્ટર કપડવંજની રૂબરૂમાં મહિસા સબ પોસ્ટ ઓફિસ ખાતે નાણાં જમા કરાવ્યા હતા. તેઓએ સરકારી નાણાની હંગામી ઉચાપત કરતાં તેઓને સરકારી ફરજમાં ગંભીર બેદરકારી આચરવા બદલ તા.૧૩/૦૯/૨૦૨૪ ના રોજથી સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ, ખેડાએ ભરતકુમાર પલાસને ફરજ મોકુફ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વરૂણ પંચાલે મહુધા પોલીસ મથકમાં ભરતકુમાર ભૂરસિંહ પલાસ સામે હંગામી ઉચાપતનો ગુનો નોંધાવ્યો છે.