FD કરાવી હોય તો ચેક કરી લેજો, ક્યાંક આવી છેતરપિંડીનો તો ભોગ નથી બન્યા ને!
Bogus FD certificates : મહીસાગર જિલ્લાના વિરપુર બૅંક ઑફ બરોડાના કેશિયર દ્વારા ખાતાધારકોની રોકડ ચાઉં કર્યા બાદ હવે એફડી પણ બોગસ હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે, વિરપુર બીઓબીમાં કેશિયરના કૌભાંડની વાત વાયુવેગે ફેલાઈ જતાં ખાતેદારોએ મંગળવારના રોજ બૅન્ક પર ધસારો જોવા મળ્યો હતો.
ખાતેદારો નાણા ઉપાડવા આવ્યા ત્યારે જાણ થઈ કે તેમના નામની તો કોઈ એફડી બૅન્કમાં જમા બોલતી જ નથી
કેટલાક ખાતેદારો મંગળવારે તેમની એફડીના નાણા ઉપાડવા જતાં તેમના નામે કોઈ એફડી જમા જ બોલતી ન હતી. આ ઉપરાંત તેમની પાસે રહેલા સર્ટીફિકેટ પણ બોગસ હોવાનું ખૂલતાં ભારે હોબાળો થયો છે. આ અંગે બૅન્ક મેનેજરે ખાતેદારોની અરજી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિરપુરની બૅન્ક ઑફ બરોડામાં ચેક આધારે નાણા લેવા આવેલા ખાતેદારોના લાખો રૂપિયા કેશિયર ચાઉં કર્યાના કૌભાંડ બાદ કેશિયરનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે.
બૅન્ક સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ 15 જેટલા ખાતા ધારકોની લેખિતમાં અરજી આવી છે. જેમાં ચેકના નાણાં તેમજ એફડીના નાણાં મળી અંદાજિત 40 લાખની છેતરપિંડી થયાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે અરજદારો દ્વારા બૅન્ક મેનેજરને અરજી કરતા બૅન્ક મેનેજરે દ્વારા પોલીસ સ્ટેશને ફરિયાદ આપવામાં આવી છે. વિરપુર બૅન્ક ઑફ બરોડામાં ફરજ બજાવતા કેશિયરની કરતુત બહાર આવતા જાણે બૅન્ક પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તેમ ખાતા ધારકોનો ધસારો જોવા મળી રહ્યો છે.
કેશિયર સસ્પેન્ડ : રિજનલ ઑફિસ દ્વારા તપાસ
બ્રાંચ મેનેજર દ્વારા ભોગ બનનારા તમામ ખાતા ધારકોને તેમના નાણાંની સલામતી બાબતે વિશ્વાસ આપવામાં આવ્યો હોવાનું ખાતા ધારકો એ જણાવ્યું હતું. જ્યારે આ બાબતે દાહોદ રિઝનલ ઑફિસના અધિકારી દ્વારા જણાવાયું હતું કે, કેશિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને નકલી એફડી સર્ટિફિકેટ અને નાણાનો વ્યવહાર કઈ રીતે કરવામાં આવ્યા ? તે બાબતે તપાસ હાલ ચાલી રહી છે.