Get The App

મહાકુંભમાં મૃત્યુ પામનારા કડા ગામના મહેશ પટેલના સિદ્ધપુરમાં કરાયા અંતિમ સંસ્કાર, અંતિમ યાત્રામાં ગામ હિબકે ચડ્યું

Updated: Jan 30th, 2025


Google News
Google News
મહાકુંભમાં મૃત્યુ પામનારા કડા ગામના મહેશ પટેલના સિદ્ધપુરમાં કરાયા અંતિમ સંસ્કાર, અંતિમ યાત્રામાં ગામ હિબકે ચડ્યું 1 - image


Mahakumbh Stampede: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન સંગમ કિનારે બુધવારે (29 જાન્યુઆરી) થયેલી નાસભાગમાં 90 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 30 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 60 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 30 મૃતકોમાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું પણ સામેલ છે. મહાકુંભમાં મહેસાણા જિલ્લાના વિસનગરના કડાના પટેલ મહેશભાઈ સોમાભાઈ પટેલ નામના શ્રદ્ધાળુનું મોત થયું છે. તેમના અવસાનથી પરિવાર અને પંથકમાં શોકની લહેર છે. આજે સિદ્ધપુરમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.

આજે (30 જાન્યુઆરી) મહેશ પટેલના મૃતદેહને તેમના વતન કડા ગામે લવાયો હતો. જ્યાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ મૃતકના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારબાદ મહેશભાઈના મૃતદેહને અંતિમ ક્રિયા માટે સિદ્ધપુર લઈ જવાયો હતો. સિદ્ધપુરમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. તેમની અંતિમ યાત્રામાં કડા ગામ હિબકે ચડ્યું હતું. મોટી સંખ્યામાં ગામના લોકો એકઠા થયા હતા. તેમના સાળાના જણાવ્યા અનુસાર, નાસભાગ દરમિયાન ધક્કો લાગતાં તેઓ પડી ગયા હતા, ત્યારબાદ લોકો તેમના પરથી ચાલવા લાગ્યા હતા.

મળતી માહિતી અનુસાર, 65 વર્ષીય મહેશભાઈ પટેલ મૂળ કડા ગામના વતની હતા. જેઓ પરિવાર સાથે કેટલાક વર્ષોથી સુરતમાં વસેલા હતા. ત્યાંથી તેઓ તેમના સાળા અને મિત્રો સાથે મહાકુંભમાં મૌની અમાવસ્યાએ સંગમ ઘાટ પર પવિત્ર સ્નાન કરવા માટે ગયા હતા. અહીં મોડી રાત્રે નાસભાગ થઈ હતી ત્યારબાદ મહેશભાઈનું મોત થયું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મહેશ પટેલને હાર્ટ એટેક આવ્યો હોવાનો પ્રાથમિક અંદાજ છે. જો કે, મહેશ પટેલના મોતનું કારણ શું છે તે અંગે હાલ તંત્ર દ્વારા પુષ્ટિ કરાઈ રહી છે.


Tags :
MahakumbhMahakumbh-StampedeMehsana

Google News
Google News