આજે ભવનાથ મહાદેવને ધ્વજારોહણ બાદ મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ
તંત્ર દ્વારા પૂજા વિધિ બાદ કલેક્ટરના હસ્તે ધ્વજારોહણ :તળેટી વિસ્તારમાં 100થી વધુ અન્નક્ષેત્રોમાં હરિહરનો નાદ ગુંજશે : સાધુ સંતોના ધુણાની ધૂમ્રશેરોથી ભવનાથમાં અનોખો માહોલ
જૂનાગઢ, : મહાવદ નોમ તા. 22ના સવારે શુભ મુહૂર્તમાં તંત્ર દ્વારા પૂજાવિધિ બાદ ધ્વજારોહણ સાથે પાંચ દિવસીય મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે. તળેટીમાં ૧૦૦થી વધુ અન્નક્ષેત્ર ધમધમતા થશે, તેમાં દિવસરાત હરિહરનો નાદ ગુંજશે. સાધુ સંતોના ધુણાની ધૂમ્રશેરોથી ભવનાથ તળેટી વિસ્તારમાં અનોખો માહોલ જોવા મળશે.
તા. 22ના મહાવદ નોમના સવારે નવ વાગ્યે વહીવટી તંત્ર દ્વારા સાધુ સંતો અને ભાવિકોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિર ખાતે ધ્વજાની વિધિવત રીતે પૂજાવિધિ થશે. ત્યારબાદ કલેક્ટરના હસ્તે ધ્વજારોહણ થશે અને આ સાથે જ પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે. ધ્વજારોહણ બાદ તળેટી ક્ષેત્રમાં નાના મોટા 100થી વધુ અન્નક્ષેત્ર ધમધમતા થઈ જશે અને મેળામાં આવતા લોકોને ભોજન કરાવવા માટે હરિ હરનો નાદ ગુંજી ઉઠશે. મેળામાં આવતા ભાવિકોને નિઃસ્વાર્થ ભાવે ભોજન પ્રસાદ પીરસવામાં આવશે અને હજારો ભૂખ્યા લોકોની જઠરાગ્નિ બુઝાવવામાં આવશે. રાત પડતા જ તળેટી વિસ્તારમાં આવેલા આશ્રમ, જગ્યાઓ તેમજ ઉતારાઓમાં ભજન, સંતવાણીની રમઝટ જામશે અને હજારો ભાવિકો મેળાની મજા માણશે. શનિવાર- રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની સંભાવના છે. ભવનાથ તળેટીમાં મેળા પૂર્વે આવી પહોંચેલા સાધુ સંતો પણ મેળાની ધુણા પ્રજ્વલ્લિત કરશે અને આ ધુણાઓની ધૂમ્રશેરોથી ભવનાથમાં તળેટીમાં અલગ માહોલ સર્જાશે. મનપા દ્વારા લાઈટ, પાણી, સફાઈ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે, જયારે પોલીસ વિભાગ દ્વારા પણ રાવટીઓ ખાતે બંદોબસ્ત શરૂ થઈ જશે.
હિન્દૂ સંસ્કૃતિ અને પુરાણો મુજબ ધ્વજા ભગવાનનાં ઘરેણા સમાન અખાડાઓ અને અન્ય જગ્યાઓમાં પણ પૂજન સાથે પરંપરાગત રીતે થશે ધ્વજારોહણ ભૈરવદાદાને કાળા અને ભવનાથ મહાદેવને કેસરી રંગની ધ્વજા ચડશે
જૂનાગઢ, : શનિવારે મહાવદ નોમના ભવનાથ મંદિરે વિધિવત ધ્વજાજીનું પૂજન કર્યા બાદ પ્રથમ કાળા રંગની ધ્વજા ભૈરવદાદાને ચડાવાશે અને બાદમાં ભવનાથ મહાદેવ મંદિરનાં શિખર પર કેસરી રંગની ધ્વજા ચડાવવામાં આવશે. એ સાથે જ હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠશે.
હિન્દુ સંસ્કૃતિ અને હિન્દૂ પુરાણોમાં ધ્વજાજીને ભગવાનના ઘરેણા સમાન માનવામાં આવે છે. મંદિર પર ફરકતી ધ્વજા દૂર દૂરથી આવતા ભાવિકો માટે માર્ગદર્શક બને છે. ભવનાથમાં આવેલા અખાડાઓ અને અન્ય ધાર્મિક જગ્યાઓ ખાતે પણ ધ્વજા ચડાવવામાં આવશે. આ સાથે જ મહાશિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ થશે અને સાધુ સંતો અને ભાવિકો આ મેળામાં ઉમટી પડશે.