કાલથી મહર્ષિ દયાનંદ દ્વિ-શતાબ્દી મહોત્સવ, સોમવારે રાષ્ટ્રપતિ આવશે
વિશ્વના 31 દેશો અને ભારતભરમાંથી 2 લાખ આર્યો ટંકારા આવશે : તા. 10ના રાજ્યપાલના હસ્તે ત્રિદિવસીય મહોત્સવનું ઉદઘાટન : તા. 12ના વડાપ્રધાન વર્ચ્યુઅલ સંબોધન કરશે, ચૂસ્ત સુરક્ષા રહેશે : અમિત શાહ, બાબા રામદેવ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે,વૈદિક મંત્રોચ્ચારથી ટંકારા પંથક ગૂંજી ઉઠશે , અનેકવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો
રાજકોટ, : રાજકોટથી 43 કિ.મી.ના અંતરે હાલ મોરબી જિલ્લામાં આવતા ટંકારામાં તા. 12-2-1824ના જન્મેલા અને સમગ્ર ભારત સહિત વિશ્વભરમાં વૈદિક સંસ્કૃતિના પુનરોધ્ધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિનો ત્રિદિવસીય મહોત્સવનો તા. 10ને શનિવારથી પ્રારંભ થશે જેનું ઉદ્ધાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના હસ્તે થશે જ્યારે તા. 12ના સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ખાસ ઉપસ્થિત રહીને સંબોધન કરશે. તા. 10ના ટંકારાના મહર્ષિ દયાનંદ સરસ્વતીના આજે પણ જળવાયેલા નિવાસસ્થાનથી મુખ્યમાર્ગો પર શોભાયાત્રા નીકળશે અને ત્રિદિવસીય કાર્યક્રમોમાં અનેક વિદ્વાનોના પ્રવચનો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે યોજાશે. 750 કુંડી ભવ્ય અને દિવ્ય વૈદિક યજ્ઞા યોજાશે.
આ અંગે આજે માહિતી વિશેષ આપતા ટંકારાના ધારાસભ્ય તથા આર્ય સમાજના આગેવાનોએ જણાવ્યું કે તા. 11 ફેબુ્રઆરીના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે અને તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને સંબોધન કરશે. તા.12 ફેબુ્રઆરી સોમવારે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ખાસ મુખ્ય અતિથિ વિશેષ પદે કાર્યક્રમ યોજાશે .રાષ્ટ્રપતિના હસ્તે ટંકારા પંથકમાં આર્યસમાજ દ્વારા સાકાર થનારા જ્ઞાાન જ્યોતિ તિર્થનો શિલાન્યાસ થશે.
કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, જાણીતા યોગગુરૂ બાબા રામદેવ, કેન્દ્રીય મંત્રીઓ, પુનમ સુરીજી સહિત મહાનુભાવો ઉપરાંત નાગાલેન્ડ, કાશ્મીર, કેરલ સહિત દેશભરમાંથી અને ૩૦ દેશોમાંથી અંદાજે બે લાખ આર્યો ,ઋષિકુમારો આ પ્રસંગે મોરબી જિલ્લામાં આવેલા આ પાવન ભૂમિ પર આવશે. જેમના રહેઠાણ, ભોજન વગેરે માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.
રાષ્ટ્રપતિ ટંકારામાં આશરે 4 કલાકનું રોકાણ કરે તેવી સંભાવના છે, જે અન્વયે તેમના ચૂસ્ત બંદોબસ્ત માટે પેરા મિલ્ટ્રી સ્ટાફ સહિત ફોર્સનું આગમન શરૂ થયું છે. સોમવારે રાજકોટ નજીકના હિરાસર એરપોર્ટ પર રાષ્ટ્રપતિ ઉતરાણ કરશે અને તેમની સાથે ત્રણ ચોપર હેલીકોપ્ટર પણ હશે અને અહીંથી તેઓ ટંકારા જવા રવાના થશે. આ માટે રાજકોટનું સર્કિટ હાઉસ ચાર દિવસ માટે બૂક કરી દેવાયું છે. આજુબાજુના જિલ્લામાંથી પોલીસન, એસ.આર.પી. સહિતના જવાનો ટંકારા વિસ્તારમાં તૈનાત કરાશે.