સોમનાથ મંદિરના નિર્માણ માટે મહારાણીએ તેમના પ્રધાનને પ્રભાસપાટણ મોકલ્યા હતા
ઇન્દોરના મહારાણી અહલ્યાબાઇની આજે તા. 31-5એ 299મી જન્મ જયંતી : ઇ.સ. 1783 માં મંદિરનાં પુનઃનિર્માણ કાર્યનો પ્રારંભ કર્યા બાદ ઇ.સ. 1888માં પ્રાણપ્રતિષ્ઠા થઇ હતીઃ
પ્રભાસપાટણ, : સોમનાથ - પ્રભાત તીર્થમાં હાલના નૂતન સોમનાથ મંદિરની નજદીક અને બરાબર સામે આવેલ ઇન્દોરના મહારાણી અહલ્યાબાઇ હોલકર સ્થાપિત સોમનાથના પરમભક્ત - શિવ ઉપાસક ઇન્દોર મહારાણી અહલ્યાબાઇ હોલકરની આજે તા. 31-5એ 299મી જન્મ જયંતિ છે.
પુણ્યશ્લોકા માતોશ્રી અહલ્યાબાઇ અંગે તત્કાલીન વડાપ્રધાન જવાહર નહેરૂએ તેના ''ડિસ્કવરી ઓફ ઇન્ડીયા'' પુસ્તકમાં લખ્યું છે કે, ''મધ્ય યુગના ઇતિહાસમાં માતોશ્રી અહલ્યાબાઇ એક દંતકથા સમાન છે. તેમનું ખુબ જ અસરકારક કાયદો વ્યવસ્થા અને ન્યાયી શાસન હોવાને કારણે સામાન્ય જનતા ખૂબ સુખી - રાજી હતી. તેઓ એક કુશળ રાજ્યકર્તા અને ઉત્તમ કોટીના વહીવટદાર હતાં. તેઓની અદ્ભૂત લોકચાહના હતી કે આજે પણ તેમને મૃત્યુ બાદ લોકો ખૂબ પ્રેમ અને આદરથી યાદ કરે છે.
સોમનાથ - અહલ્યાબાઇ સોમનાથ ટ્રસ્ટી જે.ડી. પરમાર ઇંદોરના મહારાણી અહલ્યાબાઇ હોલકરે ભગવાન સોમનાથના મંદિરના નિર્માણ કાર્ય માટે ઇ.સ. 1782 માં પોતાના પ્રધાન શ્રી કૃષ્ણાજી બાજીને પ્રભાસપાટણ મોકલ્યા હતા. પરંતુ જુનું મંદિર અત્યંત ભગ્નાવસ્થામાં હતું. દેવની પ્રતિષ્ઠા યોગ્ય ન હતું. તેથી તેનાથી થોડે દૂર જે સોમનાથના નવા મંદિર નિર્માણકાર્ય ઇ.સ. ૧૭૮૩માં પ્રારંભ્યું હતું. આ કાર્ય પૂર્ણ થતા દેવાલયની પ્રાણ પ્રતિષ્ઠા ઇ.સ. 1788 માં થઇ અને નીચે ભોયરામાં ભગવાન સોમનાથની પ્રતિષ્ઠા કરાવી અને ઉપરના ભાગમાં મહારાણીના પોતાના નામથી અહલ્યેશ્વર મહાદેવના લિંગની સ્થાપના કરાવી હતી.
આ પુણ્યકાર્ય કરાવી મહારાણી અહલ્યાબાઇએ સોમનાથની પૂજાની પ્રાચીન પરંપરા જાળવી રાખી હતી. સોમનાથ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓના પ્રયાસોથી વર્ષ 2018માં અહલ્યાબાઇ નિર્મીત પ્રાચીન સોમનાથ મંદિરને નવો ઓપ આપવામાં આવ્યો હતો. અને મંદિરમાં જવા માટે ભોંયરાને સ્થાને હાલના ભોજનાલય સામે પૂર્વાભિમુખ ગેટ બનાવાયો અને ઢાળ બનાવી મંદિરમાં જઇ શકાય તેવી વ્યવસ્થા શરૂ કરાવી તેમજ મંદિરમાં જવા પહોળા માર્ગની વ્યવસ્થાઓ કરાવી હતી. સાથો-સાથ મંદિરના પરિસર મધ્યે ઇન્દોરના મહારાણી અહલ્યાબાઇ હોલકરની પ્રતિમા મુકવામાં આવી છે. જેનું મુખ સદાય શિવલિંગ દર્શન કરતું રહે તે રીતે સ્થાપિત કરાઇ છે.
જો કે પરિસરમાં પ્રવેશવાનું ભલે એક જ દ્વાર હોય. પરંતુ એકઝાટ અને વર્તમાન બનતી ઘટનાઓને અનુલક્ષી ત્રણ દરવાજા હોવા છતાં ક્યારેક બંધ રહે છે. જેથી દૂર લાઇનથી પ્રભુ દર્શન કરતાં રહે તેનો સમુળગો છેદ ઊડી ગયો છે. કારણ કે અડધું બાર જ ખુલ્લું રખાય છે. જે આખું ખુલ્લું રહેવું જોઇએ. અહલ્યાબાઇ હોલકરનો જન્મ 31-5-1725 ના રોજ થયો હતો. સ્વર્ગવાસ 13-8-1785ના રોજ થયો હતો.
તેઓ માત્ર નાની વયમાં ઇન્દોરની ગાદી સંભાળી હતી અને યુધ્ધ સમયે તેઓ જાતે ચાર ધનુષ અને સેંકડો તીરો સાથે પોતાના હાથી ઉપર બેસી સૈન્યની આગેવાની લેતા હતા. પ્રજાની ફરિયાદ સાંભળતાં અને રાજ્યના ખજાનાનો ઉપયોગ પ્રજા કલ્યાણમાં વાપરતાં હતાં. અહલ્યાબાઇએ કાશી ગંગા કિનારે પણ ઘાટ બંધાવેલ છે. ઉપરાંત દેશના લગભગ તમામ તીર્થસ્થાન મંદિરો, ધર્મશાળાઓ, કુવા, કુંડ નવા બનાવવા કે જીર્ણોધ્ધાર કરવા તેવા તે જમાનામાં જરૂરી અને કરવા કઠીન હતાં તેવાં લોકકાર્ય કર્યા હતા. જેથી જ તેમને માતા અને દેવી તરીકે આજે'ય પણ સમગ્ર ભારત યાદ કરે છે.