નેતા હોય કે અધિકારી, બધાને માત્ર ફોટા પડાવવામાં રસ, ધરોહરની સાચવણી માટે કોઈને પડી નથી
Mahakali Vad Kantharpura: ગુજરાતમાં ભ્રષ્ટાચારનું મોડલ ધમધમી રહ્યું છે અને તેના અસર હવે રાજ્યના ધાર્મિક સ્થળોના વિકાસમાં પણ વર્તાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક સમયનો ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા દહેગામ વિસ્તારના કંથારપુર મહાકાળી વડના વિકાસની વાતો આગળ વધતી જ નથી. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ વિસ્તારના વિકાસની વાત થઈ હતી. પરંતુ પણ તેમના દિલ્હી ગયા બાદ ભાજપ સરકારના કોઈ મુખ્યમંત્રી, મંત્રી કે નેતાને આ પ્રોજેક્ટના વિકાસમાં રસ નથી. વિકાસ તો દૂરની વાત છે સરકારી અધિકારીઓએ ભાગબટાઈ કરીને મલાઈ ખાઈ લીધી છે અને મંદિરનો વિકાસ તો થયો જ નથી.
અઢી વિઘા જમીનમાં ફેલાયેલા વડની સુરક્ષા, સંવર્ધન અને વિકાસની વાત હતી. પરંતુ રોડ-રસ્તા વિભાગ, એસ્ટેટ વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ દિશામાં કોઈ કામ કરાયું નથી. થોડા દિવસ પહેલાં જ મંદિરની ઘણી વડવાઈઓ અને ડાળીઓ તૂટી પડ્યા હતા. ગ્રામજનો દ્વારા અને ખાસ કરીને મહાકાળી મંદિરના ટ્રસ્ટીઓ અને પુજારી દ્વારા વડના સંરક્ષણ માટે મથામણ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની આડોડાઈ એટલી ભારોભાર છે કે, તે વિકાસના કામ કરતી નથી અને લોકોને કરવા પણ દેતી નથી.
આ પણ વાંચો: PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા ઐતિહાસિક કંથારપુર વડના અસ્તિત્વ સામે જોખમ, 10 કરોડની ફાળવણી ક્યાં ગઇ?
મંદિર છોડીને મ્યુઝિયમ વિકાસવવાની ઘેલછા
સરકારી તંત્ર દ્વારા મંદિરની કે વડની સાચવણી તરફ કોઈ ઘ્યાન જ આપવામાં આવતું નથી. જે પણ અધિકારીઓ આવે તે ગ્રામજનોને મળતા નથી અને તેમની વાત પણ સાંભળતા નથી. મંદિરથી સહેજ દૂર એક વિશાળ બાંધકામ બનાવવામાં આવ્યું છે. જેનો મ્યુઝિયમ તરીકે વિકાસ કરાશે તેવું કહેવાય છે. બધા જ અધિકારીઓ આવીને મ્યુઝિયમના કામની ચકાસણી કરીને જતા રહે છે.
મંદિરમાં જે તકલીફો પડે છે તે કોઈ જોવા જ નથી જતું. ગ્રામજનોની ફરિયાદ છે કે, નેતાઓ અને અધિકારીઓ માત્ર ઘેઘુર વડ સાથે ફોટા પડાવવા જ આવે છે, તેમને વડના સંરક્ષણ અને સંવર્ધનમાં કોઈ રસ નથી. થોડા દિવસ પહેલાં વડમાં મોટી તિરાડ પડી અને કેટલીક ડાળીઓ તૂટી ગઈ ત્યારે માત્ર નામ પુરતી હિલચાલ ચાલી પણ સરકારી નિંભર તંત્ર કોઈ સુવિધા વધારવા તૈયાર નથી. સરકારને મંદિર વિકસાવવા કરતા મ્યુઝિયમ વિકાસવવામાં રસ છે અને અધિકારીઓને પણ કટકી મળતી હોવાથી તે તરફ જ ઘેલછા છે.
સામાન્ય પ્રજાની સુવિધા અંગે કોઈની ચિંતા જ નથી
કંથારપુરા અને વાસણા ચૌધરી ગામની વચ્ચે આવેલા આ ઘેઘુર વડ અને તેની નીચે આવેલા મહાકાળી માતાના મંદિરનું સત ખૂબ જ છે. દૂર દૂરથી લોકો અહીંયાં માનતા માનવા અને પૂરી કરવા માટે આવે છે. દર રવિવારે અને પુનમે હજારો ભક્તો દર્શન કરવા આવે છે. હાલમાં આ મંદિરની જાળવણી અને વહિવટનું કામ કંથારપુરા ગામના કેટલાક લોકો દ્વારા બનાવાયેલું ટ્રસ્ટ કરે છે.
થોડા સમય પહેલા સરકારે વિકાસના નામે મંદિર અને તેની આસપાસના વિસ્તારનો વહિવત પોતાને હસ્તક લઈ લીધો. મંદિરની પાસે બસ સ્ટેન્ડ હતું તથા તેન સામે પાણીની વિશાળ પરબ હતી. આ બધું જ વિકાસના નામે એકાએક તોડી પડાયું જ્યારે બીજી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. સમય જતાં વડ વિકસી જતાં અને વડવાઈઓ નમી જતાં કંથારપુરામાં પ્રવેશવાના માર્ગમાં આવતી વડવાઈ નમી ગઈ અને તેની નીચેથી બસપસાર થઈ શકતી નથી. બસ સ્ટેન્ડ બંધ થઈ ગયું છે. આ ઉપરાંત પાણીની પરબ તોડી કાઢી અને પીવાના પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ ન કરી.
મંદિર દ્વારા દરરોજ 40-50 જગ પાણી મંગાવવામાં આવે છે. આ ઉપરાંત તહેવારોમાં દરરોજ એક ટેન્કર પાણી મંગાવાય છે. સરકારે તો પરબ તોડીને હાથ અઘ્ધર કરી લીધા છે. સરકારી ખાતાએ લોકો માટે શૌચાલયની પણ પ્રાથમિક સુવિધાનું ઘ્યાન રાખ્યું નથી. મંદિરની પાછળ એક મોબાઈલ ટોઈલેટ લાવીને મુકી દીધું છે જે ગંદકીથી ખદબદે છે અને તેને સાફ કરવાની કોઈ વ્યવસ્થા નથી. મંદિર ટ્રસ્ટ જ્યારે જાતે સફાઈ કરાવે ત્યારે સાફ થાય છે. મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનો વ્યવસ્થા વિસ્તારવાની વાત કરે ત્યારે સરકાર કહે છે કે અમે કરીશું અને કામ કરવાનું આવે ત્યારે કોઈ ફરકતું પણ નથી.
આ પણ વાંચો: કરોડો ખર્ચવા છતાં થોડા જ વરસાદમાં ગુજરાતના 'સ્માર્ટ સિટી' ધોવાયાં, વિકાસના કામો ફરી પાણીમાં
500 વર્ષ પહેલાં વડની નીચે માત્ર માતાજીની મૂર્તિ હતી
મંદિરમાં પૂજાપાઠ કરતા પૂજારીએ જણાવ્યું કે, '500થી વધુ વર્ષ પહેલાં કંથારપુર ગામમાં અહીંયા વડવાઈઓની વચ્ચે માતાજીની વચ્ચે મહાકાળી માતાજીની મૂર્તિ હતી. ગામના કેટલાક લોકો વડવાઈની વચ્ચે જઈને દીવાબત્તી કરતા અને પૂજા પાઠ કરતા. ગામના લોકોને પુજા કરવામાં મુશ્કેલી પડતી હતી. લોકોએ માતાજીની મંજૂરી માગી અને વડની થોડી ડાળીઓ કાપીને તેની જ નીચે મંદિર વિકસાવ્યું. મંદિરમાં માતાજીની બે મૂર્તિ છે. નવા સ્થાનકમાં માતાજીની જૂની મૂર્તિ છે જ્યારે જૂના સ્થાનકમાં નવી મૂર્તિ મુકવામાં આવેલી છે.'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'ચૈત્ર સુદ બારસના દિવસે માતાજીની પાલખી સમગ્ર ગામમાં ફેરવામાં આવે છે. ત્યારબાદ ચૈત્ર સુદ તેરસના દિવસે માતાજીની સ્થાપના કરાઈ તેનો પાટોત્સવ રાખવામાં આવે છે. અહીંયા દર પુનમના દિવસે માતાજીના ભક્તોને મફતમાં ભોજન-પ્રસાદ વહેંચવામાં આવે છે. આ ઉપરાંત વારતહેવારે મેળા જેવું આયોજન થતું હતું જે હવે વિકાસ થવાના કારણે બંધ થઈ ગયું.'
મોદીએ કહ્યું હોય તો મોદી પાસેથી કાગળો લઈ આવો
કંથારપુર ગામ અને મહાકાળી વડ મંદિરને જોડતો રસ્તો અત્યાર બિસમાર હાલતમાં છે. ગ્રામજનો દ્વારા અધિકારીઓને અનેક વખત ફરિયાદો કરવામાં આવી છતાં લેભાગુ અધિકારીઓ તે તરફ ઘ્યાન દેતા નથી. કંથારપુર ગામના રહેવાસી અને મંદિરના ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું કે, 'અમે ઘણી વખત ગાંધીનગર જઈને તથા યાત્રાધામ વિકાસ બોર્ડ અને રોડરસ્તા વિભાગમાં અમારા ગામના રસ્તાના વિકાસની વાત કરી પણ કોઈ તેના ઉપર ઘ્યાન આપતા નથી. કેટલાક બેશરમ અધિકારીઓ કહે છે કે, તમને મોદીએ કહ્યું હોય કે ગામના રસ્તાનો વિકાસ થશે તો તેમની પાસેથી નકશો અને કાગળો લઈ આવો. અમારા દસ્તાવેજોમાં તમારા ગામનો રસ્તો નકશામાં આવતો નથી.'
મંદિરના ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું કે, 'કંથારપુરથી મંદિર સુધીનો રસ્તો સાવ બિસમાર છે. બિમાર માણસો, વૃદ્ધો, સગર્ભાઓને આવનજાવનમાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. પરંતુ અધિકારીઓને કટકી કરી આપતા મ્યુઝિયમમાં જ રસ છે. તેઓ આવે છે અને અધુરા બનેલા મ્યુઝિયમને જોઈને, ફોટા પડાવીને જતા રહે છે.
વિકાસનો વિચિત્ર નમુનો, રસ્તો તોડીને બોર બનાવી દીધો
કંથારપુર ગામથી મંદિર સુધી આવીએ ત્યાં 500 મીટરનો રસ્તો જે છેલ્લાં 5 વર્ષ પહેલાં સુધી હતો તે અચાનક સરકારી ચોપડે અને જમીન ઉપરથી ગાયબ થઈ ગયો છે. સરકારી અધિકારીઓએ વિકાસના કામ શરૂ કર્યા ત્યાં જ આ રસ્તો તોડી કાઢ્યો. તેના પગલે ગામના લોકોને મંદિર જવા માટે બે કિ.મી ગોળ ફરીને જવું પડે છે. આ ઉપરાંત ઉબડખાબડ રસ્તે વાહનો લઈને જાય તો પડી જવાનો કે અથડાઈ જવાનો ભય રહે છે. આ રસ્તા ઉપર દરરોજ બે-ચાર લોકો ટુવ્હિલર લઈને સ્લીપ થઈ જાય છે અથવા ખાડાના કારણે નીચે પટકાય છે.
અધિકારીઓને તેની પડી જ નથી. બીજી નવાઈની વાત એ છે કે, આ 500 મીટરના રસ્તા ઉપર અચાનક બોર બનાવી દેવાયો છે. મ્યુઝિયમની પાછળના ભાગમાં બોર બનાવવાનો હતો તેના બદલે રસ્તાની વચ્ચોવચ બોર બનાવી દીધો જેથી લોકોને મુશ્કેલી સર્જાય છે. અધિકારીઓને આ મુદ્દે અપિલ કરાઈ પણ કોઈ સાંભળવા તૈયાર નથી.
સરકારનું એક જ સૂત્ર અમે કરીશું નહીં અને તમને કરવા દઈશું નહીં
ગ્રામજનોનો આરોપ છે કે, સરકાર દ્વારા અહીંયા વિકાસની વાતો જ થઈ છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાઈ છે. પરંતુ ક્યાંય વપરાઈ હોય તેમ દેખાતું નથી. મંદિરના પુજારી માટે નાનકડી ઓરડી પણ ત્રણ વર્ષ સુધી સરકારે બનાવી નહીં અને જ્યારે મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનોએ ભેગા થઈને બનાવી તો અધિકારીઓ દબવે છે કે, તમે ઓરડી ગેરકાયદે બનાવી છે. રસ્તો બનાવ્યો નથી, બજાર વડવાઈઓની ઓથે વિકસ્યું છે તેને હટાવતા નથી, લોકો માટે સેનિટેશન કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી, પાર્કિંગ નથી. ધર્મશાળા હતી તે તોડીને મ્યુઝિયમનું માળખું ઊભું કર્યું છે જે ક્યારે પૂરું થશે તેનું કંઈ નક્કી નથી.
આટલા વિશાળ અને સદીઓ જુના વડને ફેન્સિંગ કરીને સાચવવાના બદલે અધુરા મ્યુઝિયમની વિઝિટ કરીને કલેક્ટર, યાત્રાધામ બોર્ડના અધિકારીઓ અને નેતાઓ પાછા જતા રહે છે. મંદિરની પાછળના ભાગમાં વડવાઈઓ વિકસી છે તેના ઉપર લોકોએ પોતાના નામ કોતર્યા છે, વડવાઈઓ કાપી નાખી છે, તોડી નાખી છે પણ લોકોને રોકનાર કે ટોકનાર કોઈ નથી. કેટલાક સ્થાનિકો અને વડિલોનું કહેવું છે કે, અમને લોકોને પણ વડ અને વડવાઈને સાચવવાની જવાબદારી આપી હોત તો વડ આ રીતે ફાટીને તૂટી જ ન જાત. સરકારે કશું કર્યું નહીં અને અમને કરવા દીધું પણ નહીં. ધર્મની વાતો કરનારી સરકાર માત્ર ધતિંગ કરીને ખિસ્સા ભરવાના કામ કરી રહી હોવાનો ગ્રામજનોમાં રોષ છે.