Get The App

જામનગરમાં છેલ્લા નોરતે ખેલાયો ખૂની ખેલ : શંકર ટેકરી વિસ્તારમાં અગ્રણીની છરીના ઘા ઝીંકી દઈ હત્યા, આરોપીની અટકાયત

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
જામનગરમાં છેલ્લા નોરતે ખેલાયો ખૂની ખેલ : શંકર ટેકરી વિસ્તારમાં અગ્રણીની છરીના ઘા ઝીંકી દઈ હત્યા, આરોપીની અટકાયત 1 - image


Jamnagar Crime : જામનગરના શંકર ટેકરી શાસ્ત્રીનગર વિસ્તારમાં ગઈ રાત્રે એક મહાજન અગ્રણીની સરા જાહેર હત્યા નિપજાવાતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે એક સ્થાનિક શખ્સ સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે, અને હત્યારો આરોપી પોલીસના હાથ વેતમાં આવી ગયો છે. જે હત્યામાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. જે બનાવને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 42 માં રહેતા અને શેરી નંબર 49 માં મેટ્રો મેટલ્સ કોર્પોરેશનના નામનું કારખાનું ચલાવતા તેમજ અન્ય કેટલીક સેવા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મનસુખલાલ ખીમસિયા ઉર્ફે મનુભાઈ મેટ્રો નામના 65 વર્ષના મહાજન અગ્રણી પર ગઈકાલે રાત્રે 8.00 વાગ્યાના અરસામાં શંકર ટેકરી વિસ્તારમાં શ્રીરામ ચોકમાં છરી વડે હુમલો કરાયો હતો. એક શખ્સ દ્વારા તેના છાતી, ગરદન તેમજ શરીરના અન્ય ભાગોમાં છ જેટલા ઘા ઝીંકી દેતાં તેઓ બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા, અને સૌ પ્રથમ સ્થાનિક વિસ્તારમાં રહેતા ભરતસિંહ જાડેજા નામના વ્યક્તિ તથા અન્ય લોકોએ મળીને ઇજાગ્રસ્ત મહાજન અગ્રણીને સૌપ્રથમ ઓશવાળ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. પરંતુ ત્યાં તેઓનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટયો હતો. જેની જાણકારી મળતાં સૌપ્રથમ સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે તેમજ સરકારી જીજી હોસ્પિટલે દોડી ગયો હતો, અને સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી.

આ ઘટનાની જાણ થતાં જામનગરના મહાજન સમાજમાં પણ ભારે દોડધામ થઈ હતી, અને કેટલાક અગ્રણીઓ તેમજ મૃતકના સમર્થકો જી.જી.હોસ્પિટલે દોડી ગયા હતા. મૃતક મનુભાઈ કે જેઓ જામનગરની સેવાભાવી સંસ્થા મોક્ષ ફાઉન્ડેશન સાથે જોડાયેલા હતાં, તેમજ અનેક સેવા પ્રવૃત્તિ પણ ચલાવતા હતા. જેઓએ આજથી 30 વર્ષ પહેલા શંકર ટેકરી વિસ્તારમાં શાસ્ત્રીનગરમાં ખોડીયાર માતાનું મંદિર બંધાવી આપ્યું હતું, જે મંદિરમાં તેઓ પ્રતિદિન દર્શન કરવા માટે આવતા હતા. ગઈકાલે પણ સાંજના સમયે તેઓ મંદિરે દર્શન કરીને સ્થાનિક વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના ઘરે જઈને પરત નીકળી રહ્યા હતા, જે દરમિયાન તેના પર આ હુમલો કરી દેવાયો હતો.

જે મામલે મૃતકના પુત્ર મહાવીરે પોલીસને જાણ કરી હતી અને સ્થાનિક વિસ્તારમાં રહેતા મિતરાજસિંહ ભગીરથ સિંહ જાડેજાએ છરી વડે પોતાના પિતાની હત્યા નીપજાવી હોવાની જાહેરાત કરી હતી. જેથી પોલીસે મહાવીરભાઈ ખીમસીયાની ફરિયાદના આધારે તેમના પિતા મનસુખલાલની હત્યા કરવા અંગે આરોપી મિતરાજસિંહ જાડેજા સામે ગુનો નોંધ્યો હતો, અને વહેલી સવાર સુધીમાં આરોપીને હસ્તગત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન સમગ્ર પ્રકરણમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. મનસુખભાઈ કે જેઓ શંકર ટેકરી શાસ્ત્રીનગર વિસ્તારમાં આવતા હતા, અને ત્યાં જ રહેતા એક પરિવાર ને ઘેર અવર જવર કરતા હતા, જે રાજપૂત પરિવારના એક મહિલા સાથે તેઓને અનૈતિક સંબંધો છે, તેવો આરોપીએ શંકા વહેમ રાખીને પોતાના સમાજની મહિલા સાથેના આડા સંબંધો પસંદ ન હોવાની અનેક લોકોને વાતો કરતા હતા, અને તે શંકા-વહેમના કારણે જ આ હત્યા નિપજાવી હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલામાં પોલીસ દ્વારાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે. આ બનાવને લઈને જામનગરના મહાજન સમાજમાં ભારે ચકચાર જાગી છે.


Google NewsGoogle News