મગવાસ શાળાના શિક્ષક વર્ષોથી ગાયબ થતાં ગ્રામજનોએ ઢોલ વગાડીને રોષ ઠાલવ્યો

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
Magvas Absent Teacher


Banaskantha Teacher Controversy: બનાસકાંઠામાં દાંતા તાલુકાની પાન્છા પ્રાથમિક શાળાનાં શિક્ષિકાનો મુદ્દો હજુ ચર્ચામાં છે ત્યારે  દાંતા તાલુકાના મગવાસ શાળાના એક શિક્ષક ઘણાં સમયથી ગાયબ હોવાનો રહેતા હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં સતત ગેરહાજર રહી બાળકોના અભ્યાસને નુકસાન પહોંચાડવા બદલ આ શિક્ષક સામે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. અને ગ્રામજનો પોતાના બાળકોના ભવિષ્યને હાનિમાં મુકનારા શિક્ષક વિરૂદ્ધ લડત છેડતાં ઢોલ વગાડી પોતાનો રોષ ઠાલવ્યો આવ્યો હતો. આ રફ્ફુચક્કર થયેલો શિક્ષક ગણિત અને વિજ્ઞાાન વિષયનો છે જેથી વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ મળતું નથી.

ગણિત-વિજ્ઞાાનના અભ્યાસ ઉપર અસર

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી બેદરકાર, બેજવાબદાર અને સતત ગેરહાજર રહેતા ૩૩ શિક્ષકોને શિક્ષણ વિભાગે પાણીચુ પકડાવ્યું છે. જ્યારે છ ભૂતિયા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. જે પૈકીની એક સ્કૂલ દાંતાની મગવાસ પ્રાથમિક શાળા છે. આ શાળામાં ગણિત-વિજ્ઞાાનના શિક્ષક જયકુમાર ચૌહાણ છેલ્લા દોઢ વર્ષથી ગેરહાજર છે. દાંતામાં પાન્છા બાદની આ બીજી સ્કૂલ મગવાડામાં છે કે જેમાં શિક્ષકો ગેરહાજર રહેતા હતા. 

આ પણ વાંચોઃ VIDEO: ’મારી પાસે NOC છે...’, બનાસકાંઠાના શિક્ષિકાએ અમેરિકાથી વીડિયો જાહેર કરી કર્યો દાવો

શિક્ષણ વિભાગે પરિપત્ર બદલવાની જરૂર

આ બનાવ બાદ શિક્ષણ વિભાગમાં 2006નો પરિપત્રમાં હવે બદલવાની જરૂરિયાત સર્જાઈ છે. કેમકે આ નિયમ અને પરિપત્રનો સગવડિયો ઉપયોગ જિલ્લાના તમામ ભૂતિયા શિક્ષકો કરી રહ્યા છે. જયકુમાર કનૈયાલાલ ચૌહાણ નામનો શિક્ષક ગેરહાજર હોવાનું મગવાસ પ્રાથમિક શાળાના આચાર્ય સરફરાઝ કડિયા દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે   આ શાળા દ્વારા અનેકોવાર તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ છતાં આ ભૂતિયા શિક્ષક સામે કાર્યવાહી કરાઇ નથી. અને આ શિક્ષકની ગેરહાજરી દરમિયાન કોઈપણ પ્રકારની પગારની ચૂકવણી કરવામાં આવી નથી. જ્યારે બીજી તરફ   સતત દોઢ વર્ષથી ગેરહાજર રહેતા શિક્ષકને લઈને અને પોતાના બાળકોના ભવિષ્ય માટે ગ્રામજનો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે મગવાસ શાળામાં એક અઠવાડિયામાં ભૂતિયા શિક્ષક ઉપર કાર્યવાહી નહીં કરાય અને નવા શિક્ષકની ભરતી નહીં કરવામાં આવે તો શાળાની તાળાબંધી ગ્રામજનો દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

પાન્છા બાદ બીજી શાળાઓની પણ પોલ ખુલી

દાંતા તાલુકાની પાન્છા શાળાનાં શિક્ષીકા અમેરિકા હોવા છતાં શાળાના રજીસ્ટરે નામ ચાલતું હોવાનું બહાર આવતાં શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. જે બાદ થરાદ ઉચપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા દર્શન પટેલ નામનો શિક્ષક કેનેડા રહેતો હોય તે એક વર્ષથી શાળામાં ગેર હાજર રહેતો હોવાથી તેને ફરજમાંથી બરતરફ કરાયો હતો. જ્યારે વાવ તાલુકાની શિવમ (ગં) પ્રાથમિક શાળાના શિક્ષક હસ્મિતાબેન ચૌધરી છેલ્લા બે વર્ષથી રજા મૂક્યા વગર ગેરહાજર રહેતા હોવાનું બહાર આવ્યું હતું. વાવની ઉચપા પ્રાથમિક શાળાના શિક્ષકનો મામલો પણ ચર્ચામાં રહ્યો હતો.

  મગવાસ શાળાના શિક્ષક વર્ષોથી ગાયબ થતાં ગ્રામજનોએ ઢોલ વગાડીને રોષ ઠાલવ્યો 2 - image


Google NewsGoogle News