વડોદરામાં ચોરેલી બાઈક લઈ અછોડા તોડતી મધ્યપ્રદેશની ગેંગ પકડાઈ, બે સગીર સામેલ : 6 ગુના ખુલ્યા
image : Freepik
Vadodara Theft Case : વડોદરામાં એક પરિચિતને ત્યાં આવી ચોરી કરેલી મોટરસાયકલ દ્વારા અછોડા તોડનાર મધ્યપ્રદેશના ભીંડ ખાતેની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે.
વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં અછોડા તૂટવાના ઉપરા છાપરી ચાર બનાવ બનતા શહેર પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોટરસાયકલની નંબર પ્લેટ ઉપર કાદવ લગાડી અછોડા તોડવામાં આવ્યા હોવાની વિગતો ખુલી હતી.
ન્યુ વીઆઇપી રોડના ખોડીયાર નગર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નંબર પ્લેટ પર કાદવ લગાડેલી મોટર સાયકલ જોઈ શંકા ગઈ હતી. પોલીસને જોતા જ ચાર યુવકો મોટરસાયકલ પર ભાગવા માંડ્યા હતા. પરંતુ પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસની તપાસ દરમિયાન પકડાયેલા ચાર જણા પૈકી બે શખ્સ સગીર વયના હતા. જ્યારે, બાકીના બે જણાના નામ વિકાસ ઉર્ફે શંકી રમેશભાઈ ગજ્જર (ગોકુલ નગર, ખોડીયાર નગર પાસે, મૂળ ભિંડ-મધ્ય પ્રદેશ) અને વિનિકેતસિંગ ઉર્ફે અંશ અનિલ સિંગ ભદોરીયા(ભીંડ, મધ્યપ્રદેશ) હોવાનું ખૂલ્યું હતું.
ભીંડનો યુવક વડોદરામાં કેટરીંગનું કામ કરતો હોવાથી બાકીના ત્રણ મિત્રો તેને મળવા માટે આવ્યા હતા અને ત્યારબાદ સૂજિત રાઇડર સહિત બીજા બે મિત્રોને વડોદરા બોલાવી કુલ ટોળકીના પાંચ સાગરીતોએ સયાજીગંજ વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કારેલીબાગ, હરણી અને ગોરવા સહિતના વિસ્તારોમાં ચોરેલી મોટરસાયકલ ઉપર ચાર ચાર અછોડા તોડ્યા હોવાની તેમજ એક મોબાઇલ ફોનની લૂંટ પણ કરી હોવાની વિગત ખુલતા તેમને કેવી રીતે પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ કરાવી છે.