મધદરિયે બોટ પર પથ્થરમારો કરી 35 લાખની ફિશિંગ નેટની લૂંટ
પોરબંદરનાં નવી બંદર પોલીસ મથકની હદનો બનાવ : 3 બોટના ખલાસીઓએ ત્રાટકી જાનથી મારી નાખવાની ધમકી આપી; ફિશિંગ બોટની કેબિન, દરવાજાને પણ નુકસાન
પોરબંદર, : પોરબંદરનાં નવી બંદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સમુદ્રમાં જગન્ના ફિશીંગ બોટ પર ત્રણ બોટના ખલાસીઓએ પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પાંત્રીસ લાખની ફિશીંગ નેટની લૂંટ કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જાફરાબાદ બંદર ખાતે રહેતા અને શ્રી જગન્ના નામની ફિશીંગબોટમાં ખલાસી તરીકે કમ કરતા સાજનભાઈ ભગુભાઈ સોલંકી નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે નવ વર્ષથી તેના માતા રખાઈબેન ભગુભાઈ સોલંકીના નામની શ્રી જગન્ના ફિશીંગ બોટમાં પોતે ખલાસી તરીકે અને પિતા ભગુભાઈ જેઠાભાઈ સોલંકી ટંડેલ તરીકે કામ કરે છે. તા. 3-11 ના જાફરાબાદ ફિશીશ વિભાગ પાસેથી ટોકન મેળવીને રાત્રે 11 વાગ્યે રાશનપાણી સાથે જગન્ના બોટ માછીમારી માટે નીકળી હતી અને ટંડેલ તરીકે તેમના પિતા ભગુભાઈ ઉપરાંત અન્ય ખલાસીઓમાં રોહિત ભગુભાઈ સોલંકી, ઉત્તમ દિનેશ બારીયા, કાર્તિક બાબુભાઈ સોલંકી, અંકિત ધીરૂભાઈ બારીયા, મના જેઠાભાઈ બારીયા અને ઋત્વિક રામજી સોલંકી વગેરે ફિશીંગ માટે નીકળ્યા હતા.
તા. 9-11 ના વહેલી સવારે પાંચથી છ વાગ્યા દરમિયાન જાફરાબાદથી 64 નોટીકલ માઈલ દૂર પોરબંદરના નવીબંદર પોલીસ મથકની હદના દરિયામાં હતા ત્યારે એક અજાણી બોટ તેઓની નજીક આવી અને તેમાંથી પાંચ ખલાસીઓએ ભેગા થઈને ફરિયાદીની બોટ ઉપર પથ્થરમારો શરૂ કરવા લાગ્યા હતા. આથી બીકને લીધે જાળ પાછી ખેચવા જતા હતા ત્યારે એ પાંચ ઈસમો પથ્થરમારો કરવા લાગ્યા હતા. ડરી ગયેલા ખલાસીઓ જાળ પાછી ખેચવા જતા હતા ત્યારે પાંચ શખ્સોએ પથ્થરમારો કરતા હતા. જેમાં અક ખલાસીએ કોયતા જેવા હથિયારથી મારવાની કોશિષ કરતા ફરિયાદીએ જાળ લીધી ન હતી અને આગળ જતા રહ્યા હતા. જયાં અન્ય ચાર જેટલી જાફરાબાદ બંદરની જ બોટો હતી જે આ બનાવ જોઈને ત્યાંથી દૂર ચાલી ગઈ હતી.
બાદમાં થોડે આગળ જતાં બીજી બોટમાંથી પાંચ ખલાસીઓએ ભેગા થઈને ફરિયાદી સામનભાઈની બોટ ઉપર પથ્થરમારો કર્યા સાથે જ ત્રીજી બોટમાંથી ત્રણ અજાણ્યા ખલાસીઓએ પથ્થરમારો કરી ગાળો બોલી તે વિસ્તારમાં માછીમારી ન કરવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ફરિયાદીની પાછળ અન્ય બોટ પીછો કરતી હોવાથી બંદરની ચારેક જાણીતી બોટોને વીએચએફ સેટ દ્વારા સંપર્ક કર્યો હતો. આ દરમિયાન અજાણી ત્રણ બોટોના ખલાસીઓ દ્વારા હુમલો થયો હતો. તેમણે ફરિયાદીની જાળ દરિયામાંથી કાઢી અને દસેક કલાક બાદ ત્રણેય બોટો જતી રહી હતી. બાદમાં તપાસ કરતા અંદાજે પાંત્રીસ લાખની 14 જેટલી જાળ લઈને ત્રણેય બોટના ખલાસીઓ નાસી છૂટયા હતા. ફિશીંગ બોટની કેબીન અને દરવાજામાં પણ નુકસાન કર્યું હતું. બનાવ સંદર્ભે પોરબંદરનાં નવી બંદર પોલીસ મથકમાં અજાણી ત્રણ બોટના ખલાસીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.