માધાપર ચોક બ્રિજનું મુખ્યમંત્રીએ સ્ક્રીન પર હાજર રહી લોકાર્પણ કર્યું
રાજકોટ, જામનગર, મોરબી જવા ઔદ્યોગિક-મુસાફર વાહનોને રાહત : બ્રિજ નીચે 50 એ 30 મીટરના બે જંક્શન, 8- 8 મીટરના બે સર્વિસ રોડ, ગાંધી સોસાયટીમાં જમીન સંપાદન હજુ બાકી
રાજકોટ, : રાજકોટ,જામનગર,મોરબી ઉપરાંત અમદાવાદ,ચોટીલા, વાંકાનેરથી આવતા જતા ઔદ્યોગિક અને મુસાફરો વાહનોમાં રોજ એક લાખથી વધુ મુસાફરોને ટ્રાફિક જામની પીડા આપતા માધાપર ચોક ઉપર જામનગર રોડ પર રૂ।. 60 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્ક્રીન ઉપર વર્ચ્યુઅલ હાજર રહીને લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે દેશમાં રોજ 37 કિ.મી.ના હાઈવેનું નિર્માણ થાય છે, ગુજરાતના બજેટમાં આ વર્ષે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ।. 20,600 કરોડ ઉપરાંત હાઈવેને ફોરલેન બનાવવા રૂ।.૨૮૦૦ કરોડ ફાળવાયા છે.
મુખ્યમંત્રી રૂબરૂ ઉપસ્થિત રહેવાના હતા અને તેઓ શહેરથી 35 કિ.મી.દૂર નવા એરપોર્ટ પર વિમાનમાં ઉતરે અને ત્યાંથી હેલીકોપ્ટર મારફત જુના એરપોર્ટ પર આવી માધાપર ચોક પહોંચે તેવો કાર્યક્રમ ઘડાયો હતો પરંતુ, ગઈકાલે રવિવારે રાત્રે રાજકોટમાં વોકળા ઉપરનો સ્લેબ ધસી પડતા 35 લોકોને ઈજા પહોંચ્યાની ગંભીર ઘટના બાદ તે કારણે અથવા તો અન્ય મહત્વનું કામ આવી જતા અને રૂબરૂ આવવામાં સમય વ્યતીત થતો હોવાનું જણાતા કે કાર્યવ્યસ્તતાના કારણે તેઓ આવી શક્યા ન્હોતા અને તા.૨૭ના જામનગર રોડ પર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચ પહેલા આ બ્રિજ ખુલ્લો મુકી દેવાયો છે. મંત્રીઓ સહિત અન્ય પદાધિકારીઓએ શ્રીફળ વધેરીને પરંપરાગત રીતે આજે ઉદ્ધાટન કર્યું હતું.
આ બ્રિજ ઉપર (1) 1125 મીટર લંબાઈમાં 11- 11 મીટરના બે સમાંતર માર્ગો છે (2) બ્રિજ નીચે બન્ને તરફ આઠ-આઠ મીટરના સર્વિસ રોડ છે પરતુ, હજુ ગાંધી સોસાયટી પાસે જમીન સંપાદનનું કામ બાકી છે (3) માધાપર ચોકડી પાસે બ્રિજ નીચે ચોક 50 મીટરનો છે અને ઈશ્વરીયા પાર્ક તરફ જવા 30 મીટરનું જંક્શન છે. (4) બ્રિજ નીચે માધાપર ચોકમાં અન્ડરપાસનું પણ આયોજન હતું પરંતુ, હાલ તે કામ બાકી છે. (5) વરસાદી પાણીના નિકાલ સહિતની સુવિધાનો દાવો કરાયો છે. આ બ્રિજ સાથે રાજકોટનો 10.7 કિ.મી.ના રીંગરોડ-1 (બી.આર.ટી.એસ.નો એકમાત્ર ટ્રેક) ઉપર હવે માધાપર ચોક, રામાપીર ચોક, રૈયા ચોક, ઈન્દિરા સર્કલ-કેકેવી, નાનામવા ચોક, મવડી ચોક અને ગોંડલ ચોક એમ આઠ ઓવરબ્રિજ થયા છે.