Get The App

સાધુના વેશમાં મત્તા તફડાવતી મદારી ગેંગનો સાગરિત ઝડપાયો

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
સાધુના વેશમાં મત્તા તફડાવતી મદારી ગેંગનો સાગરિત ઝડપાયો 1 - image


- મહેમદાવાદ પોલીસે મેઘરજના શખ્સને પકડયો

- સાધુનો વેશ ધારણ કરતા અને ડ્રાઈવર તરીકે આવતા દહેગામના બે મુખ્ય આરોપીની શોધખોળ

નડિયાદ : ખેડા જિલ્લામાં સાધુના વેશમાં આશીર્વાદ આપવાના બહાને દાગીના, રોકડ પડાવી કારમાં પલાયન થઈ જતી ટોળકી સક્રિય બની છે. થોડા દિવસો અગાઉ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ પ્રકારના ગુના આચરતી ટોળકીનો સાગરિત મોલીસે ઝડપી પાડયો છે. જ્યારે મુખ્ય સુત્રધાર બે આરોપીઓને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ખેડા જિલ્લામાં સાધુના વેશમાં રાહદારીઓ, વાહન ચાલકોને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી મત્તા પડાવી લેવાના બનાવો વધી રહ્યા છે. મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની ઘટના અંગે ગુનો નોંધાયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં ટી લખેલી સફેદ કારની ખાલી સાઈડના વ્હીલ પર પ્લેટ ન હોવાની કડી મળી હતી. જે બાદ કાર ગયેલી દીશામાં તપાસ શરૂ કરતા કારનો નંબર મળી આવ્યો હતો. બાદમાં કાર એન.કે. મોટર્સ અમદાવાદની અને આદેશનાથ ઠાકોરનાથ મદારી (રહે.મેઘરજ, ઇન્દીરા નગરી, તા.મેઘરજ, જી.અરવલ્લી)એ વેચાણ લીધી હોવાની પોલીસને જાણકારી મળી હતી.

હકીકતના આધારે તા. ૮મી ફેબુ્રઆરીએ કાર સાથે આરોપીને ઝડપી તેની પાસેથી સોનાની વીંટી, બંગડી, બુટ્ટી, હેરો સહિત રૂા. ૫.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં આરોપીએ જણાવ્યું હતું કે, દીપકનાથ નટવરનાથ મદારી (રહે.દહેગામ, જિ.ગાધીનગર) બાવા જેવો વેશ ધારણ કરતો અને કારચાલક તરીકે દર્શનનાથ પ્રવીણનાથ મદારી (રહે.દહેગામ, જિ.ગાધીનગર) આવતો હતો. બંને લોકો બાવાનો વેશ ધારણ કરી રાહદારીઓ ઉપર વશીકરણ જેવી વિધિ કરી સોનાના દાગીના તેમજ રોકડ રકમ લઈ ફરાર થતા હોવાનું અને પોતાની ભૂમિકા માત્ર કાર સપ્લાય કરવાની હોવાનું કબૂલ્યું હતું. ઝડપાયેલો આદેશનાથ મદારી સેકન્ડહેન્ડ કાર વેચાણ લઈ મુખ્ય આરોપીઓને કાર આપતો અને કપટથી મેળવેલા દાગીના વેચતો હતો. આ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી મુખ્ય ફરાર આરોપીઓ દીપકનાથ નટવરનાથ મદારી અને દર્શનનાથ પ્રવીણનાથ મદારીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News