તું માસ્તર પાસે મારી ચાપલુસી કરે છે કહી ઝઘડો કર્યો હતો: પાંડેસરા GIDCમાં મશીન ઓપરેટરને હેલ્પરે તમાચો મારતા પડી જવાથી મોત
- લક્ષ્મી નારાયણ ડાઇંગ મીલનો ઓપરેટર હેલ્પેરને કાપડના ટાંકા નાંખવા ચા ની કીટલી ઉપર બોલાવવા ગયો ત્યારે માથાકૂટ થઇ હતી
સુરત
પાંડેસરા જીઆઇડીસીની લક્ષ્મી નારાયણ ડાઇંગ મીલના મશીન ઓપરેટરને તેના હેલ્પરે તું માસ્તર પાસે મારી ચાપલુસી કરે છે કે હું કંઇ કામ કરતો નથી એમ કહી ઝઘડો કરી તમાચો મારતા પડી જતા માથામાં થયેલી આંતરિક ઇજાના કારણે મોત થયું હતું. પોલીસે હેલ્પર વિરૂધ્ધ સાપરાઘ મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
પાંડેસરા જીઆઇડીસીની લક્ષ્મી નારાયણ ડાઇંગ મીલમાં ડ્રમ મશીન ઓપરેટર તરીકે નોકરી કરતો સંતોષ લલન રામ (ઉ.વ. 32 રહે. સત્ય સાંઇ નગર, વડોદ અને મૂળ. બરતાલી ચોટકી, તા. ચનારી, જી. રોહતાસ, બિહાર) ગત શનિવારે નાઇટ પાળીમાં ગયો હતો. જયાં કામ કરતી વેળા મશીનમાં કાપડના ટાંકા નાંખવા માટે પોતાની સાથે હેલ્પર તરીકે કામ કરતા વસંત નરહરિ શેટ્ટી (રહે. પાંડેસરા) ને બોલાવવા મીલ નજીક આશાપુરી ટી સેન્ટર ખાતે ગયો હતો. જયાં સંતોષે મશીનમાં કાપડના ટાંકા નાંખવાનું કહેતા વેંત વસંતે તું માસ્તર પાસે મારી ચાપલુસી કરે છે કે હું કંઇ કામ કરતો નથી એમ કહી ઝઘડો કર્યો હતો અને સંતોષની ઉપર ચા ફેંકી કોલર પકડી ઝપાઝપી કરી એક તમાચો મારી દીધો હતો. જેમાં સંતોષ નીચે પડી જતા તેના અર્ધબેભાન થઇ જતા તુરંત જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં સંતોષનું સારવાર દરમિયાન આજ રોજ મોત થયું હતું. ઘટના અંગે પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં માથામાં આંતરિક ઇજાથી મોત થયું હોવાનું તબીબોએ જણાવતા પોલીસે વસંત વિરૂધ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સંતોષ તેની પત્ની અને અને 15 વર્ષના પુત્ર સુર્યા તથા 3 વર્ષની પુત્રી પ્રિયા સાથે રહેતો હતો.