'માં સોનલ આઈનો જન્મ શતાબ્દી મહોત્સવ': મઢડા ખાતે 700 વીઘામાં થશે ભવ્ય આયોજન
સોનલધામ ખાતે 700 વીઘામાં માં સોનલ આઈનાં જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી થવાની છે
Madda Sonal dham: જૂનાગઢ જિલ્લાના મઢડા ગામે માં સોનલ આઈના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેને લઈને સોનલધામ ખાતે ભવ્ય જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 11,12 અને 13 જાન્યુઆરીએ યોજાનાર ત્રણ દિવસીય મહોત્સવમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીઓ તેમજ તમામ સંપ્રદાયના સંતો, સામાજીક આગેવાનો અને કલાકારો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે હાલ મઢડા ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જન્મ શતાબ્દી મહોત્સવનું 700 વીઘામાં આયોજન કરાયું
મઢડા ખાતે આવેલા સોનલધામ ખાતે 700 વીઘામાં માં સોનલ આઈનાં જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી થવાની છે. 200 વિઘામાં શભા મંડપ તેમજ ભોજનાલય સાથે અનેક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને આ મહોત્સવમાં રાજયના અનેક સંતો મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેમાં દ્વારકા શારદાપીઠ પીઠાધિશ્રવર જગતગુરૂ શંકરાચાર્યજી, પ્રખર રામાયણી મોરારીબાપુ, મુકતાનંદબાપુ, ખોડલધામના નરેશ પટેલ, શ્રીમદ ભગવત કથાકાર રમેશભાઇ ઓઝા, પ્રાસલા આશ્રમના ધર્મબંધુજી મહારાજ તેમજ ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજયના પ્રદેશ આગેવાનો તેમજ સાંસદ, ધારાસભ્ય સહિત ચારણ સમાજના આગેવાનો અને દેશના ખ્યાતનામ લોકસાહિત્યકાર સાથે નામાક્તિ ભજનીક કલાકારો ઉપસ્થિતીમાં ભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
ત્રણ દિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ માટે છેલ્લા છ મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 10 લાખથી વધુ ભાવિકો પધારશે.વિશ્વભરના માં સોનલ આઈના 200થી વધુ મંદિરના સંચાલકો અને ભાવિકો એક જ જગ્યા એટલે મઢડા સોનલધામ ખાતે એકઠા થઈ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે.