પોષી પૂનમે ધામધૂમથી ઉજવાશે મા અંબાનો પ્રાગટ્ય દિવસ, જાણો ભક્તો માટે કેવી હશે વ્યવસ્થા
Aarasuri Ambaji Temple : અંબાજી વહીવટદાર કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી 13 જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે પોષી પૂનમ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. સનાતન ધર્મમાં પોષ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી દ્વારા પોષી પૂનમની ઉજવણી માટે જ્યોતયાત્રા, શોભાયાત્રા-સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ, દર્શન વ્યવસ્થા, ભોજન, સહિતના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવશે. મા અંબાના પ્રાગટય દિવસે મા અંબાના આશીર્વાદ મેળવવા મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ માઈભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવશે.
માતાજીના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજીના સભ્યો દ્વારા ગબ્બર ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવશે અને મંદિરના શક્તિ દ્વારે આરતી કરવામાં આવશે ત્યારબાદ માતાજીની જ્યોત દ્વારા અંબાજી ગામમાં જ્યોતયાત્રા કરવામાં આવશે.
પોષી પૂનમના દિવસે સવારે 10:30 કલાકે અંબાજી મંદિરના શક્તિ દ્રારથી મા અંબાને હાથી ઉપર બેસાડી શોભાયાત્રા કાઢવામાં આવશે, જે આખા નગરમાં ફરશે. આ દરમિયાન શોભાયાત્રામાં 35 કરતાં વધુ ઝાંખીઓ રજૂ કરાશે. જેમાં વિવિધ પ્રકારના રથો દ્વારા નગર યાત્રા કરવામાં આવશે. શોભાયાત્રામાં 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાશે.
પોષી પૂનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય દિવસ
ઉલ્લેખનીય છે પોષી પૂનમ એ મા અંબાનો પ્રાગટ્ય દિવસ હોઈ ધાર્મિક દૃષ્ટિએ તેનું વિશેષ મહત્ત્વ રહેલું છે. મા અંબાના પ્રાગટ્ય દિવસને ઉલ્લાસભેર ઉજવવા માઈભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. જેને લીધે આ દિવસે મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિક ભક્તો ઉમટી પડે છે.
આ દિવસે માઘ સ્નાનનો અનેરો મહિમા
પોષી પૂનમની સાથે ગુજરાતમાં 51 પૈકીનું એક શક્તિપીઠ અંબાજી માતાજીનો પ્રાગટ્ય દિવસ પણ ઉજવાય છે અને દેવી માતાને શાકંભરી દેવી પણ કહેવાય છે તેથી શાકંભરી ઉત્સવ પણ ઉજવાય છે. એટલું જ નહીં, આ દિવસે માઘ સ્નાનનો અનેરો મહિમા છે. કડકડતી ઠંડીમાં સવારે માટલાના પાણીથી સ્નાન કરાય છે. બીમાર ન હોય તેમના માટે ઠંડા પાણીથી સ્નાન ત્વચાથી માંડીને રુધિરાભીસરણ માટે આયુર્વેદની દૃષ્ટિએ ઉત્તમ મનાયું છે અને સ્નાનાગાર સંચાલકો કહે છે શિયાળામાં સવારે રોજ તરવા આવનારાનું સ્વાસ્થ્ય સારું જોવા મળ્યું છે.
'પોષી પોષી પૂનમ, અગાશીએ રાંધ્યા અન્ન, ભાઈની બહેન જમે કે રમે?
આખો દિવસ વ્રત રાખનાર નાનકડી અને લાડલી બહેન માતાએ ઘરમાં રાંધેલા રોટલામાં છિદ્ર પાડીને તેમાંથી ચંદ્ર સામે અને પછી ભાઈ સામે જુએ છે. આ વખતે માતા ભાઈને પૂછે છે 'પોષી પોષી પૂનમ, અગાશીએ રાંધ્યા અન્ન, ભાઈની બહેન જમે કે રમે? ' અને ભાઈ કહે છે જમે. કેટલાક ભાઈ રમે કહે તો વડીલો ટોકે છે કે આખી રાત તારે પણ સાથે રમવું પડશે અને જમવાનું નહીં મળે. આ બાળપણની દિવ્ય સંસ્કૃતિનો જેને અનુભવ થયો તે ભાઈ અને બહેન નસીબવંતા મનાય છે.
ભાવિક ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા
મા અંબાના પ્રાગટ્ય દિવસે દર્શનાર્થે આવતાં યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને શ્રદ્ધાળુ ભાવિક ભક્તો મા અંબાના ઉત્સવને માણી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. પોષી પૂનમ માં અંબાનો પ્રાગટ્ય દિવસ હોઈ તેને અનુરુપ વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાશે.