MSU કેમ્પસમાં નીકળેલી રેલીમાં બબાલ, એબીવીપીના કાર્યકરોએ અન્ય સંગઠનના વિદ્યાર્થીઓને માર્યા
M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં આજે એબીવીપીની રેલી દરમિયાન એબીવીપી તેમજ એજીએસયુ (ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન)ના કાર્યકરો વચ્ચે થયેલી છુટ્ટા હાથની મારામારીના પગલે નાસભાગ મચી ગઈ હતી. મારામારીના વિડિયો પણ જોત જોતામાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. ત્યારે કેમ્પસમાં સવાલ થઈ રહ્યા છે કે શું પોલીસ ભાજપની વિદ્યાર્થી પાંખ એવી ABVP સામે કડક કાર્યવાહી કરશે ખરી?
બાઈક રેલી સમયે સર્જાયું ઘર્ષણ
મળતી વિગતો પ્રમાણે આજે એબીવીપી દ્વારા નવ નિર્માણ આંદોલનના 50 વર્ષ નિમિત્તે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી કેમ્પસમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એબીવીપી અને અન્ય સંગઠન એજીએસયુના વિદ્યાર્થીઓ આમને-સામને આવી ગયા હતા. આ ઘટનાથી એ પૂરવાર થઈ રહ્યું છે કે, યુનિવર્સિટી કેમ્પસમાં ગુંડાગર્દીને છુટ્ટો દોર મળેલો છે. સિક્યુરિટીને માત્ર અને માત્ર વાઈસ ચાન્સેલરને જ સુરક્ષા પૂરી પાડવા માટે મહિને લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે અને કેમ્પસમાં વિદ્યાર્થીઓની કોઈ સલામતી નથી.
બુલેટના કારણે થઈ બબાલ
એજીએસયુના આગેવાને આક્ષેપ કર્યો છે કે 'એબીવીપીના કોઈ કાર્યકરનું બુલેટ પોલીસે સાયલન્સરમાંથી ફટાકડા ફૂટે તેવો અવાજ કરવા બદલ જપ્ત કર્યું હતું, જે બુલેટ અંગે એજીએસયુના વિદ્યાર્થીઓએ પોલીસને જાણકારી આપી હતી તેવી શંકા રાખીને મારામારી શરૂ કરી દીધી હતી. એબીવીપીના 50 જેટલા કાર્યકરોએ ખુલ્લેઆમ ગુંડાગર્દી કરતા સમગ્રે કેમ્પસમાં યુપી અને બિહાર જેવા દ્રશ્યો સર્જયા હતા અને તેઓ અમારા વિદ્યાર્થીઓ પર તુટી પડયા હતા'.
ભાજપની વિદ્યાર્થી પાંખ સામે પોલીસ પગલા લેશે?
કેમ્પસમાં એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે, એબીવીપીના કાર્યકરોએ હુમલો કર્યો હતો પરંતુ ભાજપની વિદ્યાર્થી પાંખ હોવાથી એબીવીપીના કાર્યકરોનો વાળ પણ વાંકો નહીં થાય. યુનિવર્સિટી સત્તાધીશો તો ઠીક છે પણ પોલીસ પણ તેમની સામે કાર્યવાહી નહીં કરે.