સસ્તામાં સોનાના બિસ્કીટ ખરીદવાની લાલચમાં ઉગતના દંપતીએ રૂ. 1.95 લાખ ગુમાવ્યા
- USAની કંપનીમાં વર્ક ફ્રોમ હોમ થકી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી પત્નીની સહકર્મીએ પતિ પાસે પૈસ કમાવવાની સારી લાઇન છે કહી વાત કરાવીઃ પતિએ સોના-ચાંદીનો વેપારી હોવાનું કહી ઓનલાઇન રોકડ ટ્રાન્સફર કરાવી બિસ્કીટના બદલે વાયદા કર્યા
સુરત
યુએસએની કંપનીમાં વર્ક ફ્રોમ હોમ થકી ઓનલાઇન એન્કાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી મહિલા અને તેના પતિને સસ્તામાં સોનાના બિસ્કીટ અપાવવાની લાલચ આપી રૂ. 1.95 લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર વર્ક ફ્રોમ થકી ઓનલાઇન કામ કરતા વડોદરાની મહિલાના પતિ વિરૂધ્ધ રાંદેર પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
ઉગત-ભેંસાણ રોડ સ્થિત ગ્રીન પેરેડાઇઝમાં રહેતા બેંક કર્મચારી રવિન્દ્ર બાબુભાઇ ભંડેરી (ઉ.વ. 45) ની પત્ની નીતા 2 વર્ષથી યુએસએની એલ.એલ.પી કંપનીમાં વર્ક ફ્રોમ હોમ થકી ઓનલાઇન એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. નીતાની સાથે એલ.એલ.પી કંપનીમાં ઓનલાઇન નોકરી કરતી નેતલ (રહે. વડોદરા) સાથે ઓનલાઇન મિત્રતા થઇ હતી અને નીતાએ રવિન્દ્ર સાથે પણ ઓનલાઇન ઓળખાણ કરાવી હતી. દરમિયાનમાં ગત જુન મહિનામાં નેતલે નીતાને કોલ કરી મારા પતિ પાસે સારી લાઇન છે, તે તમને પૈસા કમાવવામાં મદદ કરશે એમ કહી પતિ જયરાજનો સંર્પક કરાવ્યો હતો. જયરાજે પોતે સોના-ચાંદીનો વેપારી હોવાનું અને મારી પાસે સોનાના બિસ્કીટ ખરીદવા માટેની ડીલ આવતી હોય છે.
જેથી બિસ્કીટ ખરીદવા હોય તો તમને સસ્તામાં પડશે એમ કહી રૂ. 1.95 લાખમાં 3 સોનાના બિસ્કીટ ખરીદવાની ઓફર કરી હતી. જે તે વખતે રવિન્દ્ર પાસે પૈસા ન હોવાથી ઇન્કાર કરતા પાંચ-છ દિવસમાં પેમેન્ટની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. જેથી રવિન્દ્રએ ટુક્ડે-ટુક્ડે ઓનલાઇન માધ્યમથી કુલ રૂ. 1.95 લાખ ટ્રાન્સફર કરતા જયરાજે 10 જુલાઇએ બિસ્કીટ મળી જશે તેવો વાયદો કર્યો હતો. પરંતુ વાયદા મુજબ બિસ્કીટ નહીં મળતા રવિન્દ્રએ બિસ્કીટના બદલે પેમેન્ટ પરત આપવાનું કહેતા જયરાજે આજ દિન સુધી વાયદા કર્યા હતા.