શરદ પુનમે જ ચંદ્રગ્રહણઃ સોમનાથ અને દ્વારકામાં સાયં દર્શન બંધ રહેશે

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
શરદ પુનમે જ ચંદ્રગ્રહણઃ સોમનાથ અને દ્વારકામાં સાયં દર્શન બંધ રહેશે 1 - image


તા. 28ની રાત્રે 10.43 એ ગ્રહણ શરૂ, રાત્રે 3.08ના મોક્ષ  : સોમનાથ અને અન્ય મંદિરોમાં ગ્રહણ સમયમાં પૂજા, આરતી સ્થગીત થશે, દ્વારકાધીશ મંદિર બપોરે 3 વાગ્યે બંધ થઈ બીજા દિવસે ખુલશે 

રાજકોટ, : આશરે ત્રણ દાયકા બાદ શરદ પુનમના દિવસે જ ચંદ્રગ્રહણ છે અને તે ભારતમાં દેખાવાનું હોય ધાર્મિક પરંપરામૂજબ તે પાળવામાં આવશે. જેના પગલે જગપ્રસિધ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સાયં આરતી-પૂજા અને દ્વારકાધીશ મંદિરમાં દર્શન બંધ રહેશે. 

ગ્રહણનો પ્રારંભ તા. 28 શરદપુનમની રાત્રે  10 ક. 43 મિનિટે થશે પરંતુ, તે પૂર્વે વેધપ્રારંભ બપોરે 1.42 વાગ્યે થશે. રાત્રિના 12.57 વાગ્યે ગ્રહણ મધ્યભાગે પહોંચશે અને રાત્રિના 3.08 વાગ્યે ગ્રહણ મોક્ષ થશે. આ સમયને અનુલક્ષીને સૌરાષ્ટ્રના મંદિરોમાં દર્શન,પૂજા વગેરેમાં ફેરફાર કરાયો છે. 

દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજીની સેવાપૂજાના સમયમાં ફેરફાર કરાયો છે. તા. 28ના સવારે 5 વાગ્યે રાબેતા મૂજબ મંગલાઆરતી થશે, અનોસર 11 વાગ્યે થશે, 11થી 12 મંદિર બંધ રહ્યા બાદ બપોરે 12 કલાકે ખુલીને 3 વાગ્યે બંધ થશે. બાદમાં સાંજે મંદિર નહીં ખુલે અને છેક બીજા દિવસે તા. 29ના રવિવારે સવારે નિત્યક્રમ મૂજબ મંદિરના દ્વાર ઉઘડશે. 

દ્વારકાધીશ જગત મંદિરમાં પરંપરાગત રાસોત્સવ જે શરદ પુનમના દિવસે ઉજવાતો હોય છે તે ગ્રહણને કારણે તા. 28ને બદલે એક દિવસ અગાઉ તા. 27ના શુક્રવારે સાંજે 7.30થી 9.30 દરમિયાન યોજાશે.

જ્યારે સોમનાથ મંદિરમાં વેધસ્પર્શ (બપોરે  1.42)થી ગ્રહણ મોક્ષ (મધરાત્રે 3.08) સુધી નિયમિત પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ બંધ રહેશે.  સાયં આરતી, ધ્વજાપૂજા, બિલ્વપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞાો સહિતની પુજા પણ બંધ રહેશે. પરંતુ, સુંદર કાંડના પાઠ નિયત સમય સાંજે ૫-૩૦એ શરૂ થશે અને મંદિરમાં દર્શનનો સમય યથાવત્ રહેશે.  શરદ પુનમની રાત્રે લોકો અગાશી ઉપર દૂધ-પૌઆ રાખી આકાશમાંથી વરસતી અમૃતવર્ષા ઝીલીને આ પ્રસાદ સવારે આરોગતા હોય છે પરંતુ, તેમાં પણ આ વખતે ગ્રહણનું વિઘ્ન આવશે. દાંડિયારાસના આયોજનો તો યથાવત્ રખાયા છે પરંતુ,શ્રી કૃષ્ણના ભક્તિભાવ સાથેના ધાર્મિક રાસોત્સવો બંધ રહેશે. 


Google NewsGoogle News