અરવલ્લી એકસપ્રેસમાં યાત્રીઓનો સામાન ચોરી, RPFના જવાનોએ સ્થળ પર ફરિયાદ લેવાની ના પાડતા મામલો ગરમાયો
Surat : સુરત યાત્રાળુઓ અરવલ્લી એકસપ્રેસમાં રાજસ્થાનથી પરત સુરત આવી રહ્યા હતા, તે સમયે રાજસ્થાન વિસ્તારમાં આવેલ રીંગસ રેલવે સ્ટેશન પાસે સેકન્ડ એસી કોચમાં ચોરીની ઘટના સામે આવી હતી. જેને લઈને યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેનો એક વીડિયો સામે આવ્યો હતો. જો કે આરપીએફ જવાનો સાથે એક કલાકની માથાકૂટ બાદ આ પેસેન્જરોની ફરીયાદ નોંધવામાં આવી હતી.
આ અંગે સુરતના રિશી વિહારમાં રહેતા અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલ રાજેન્દ્રભાઈ ચૌધરીએ કહ્યું કે હું રાજસ્થાનથી સુરત આવી રહ્યો હતો ત્યારે સવારે સાડા સાત વાગે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેન રીંગસ સ્ટેશન પર પહોંચી હતી. ત્યારે એ 2 કોચમાં બેસેલી યુવતીઓએ અચાનક હલ્લો મચાવવાનું શરૂ કર્યું હતું. ત્યાં જતા જાણવા મળ્યું કે કોચમાં બેસેલી છ યુવતીઓનો સામાન ચોરી થઈ ગયો હતો અને સાથે મેં મારો સામાન પણ ચેક કર્યો તેમાં મેં જોયું કે મારો સામાન પણ ડબ્બા ચોરી થયો હતો.
ત્યારબાદ અમે ચેન પુલિંગ કરી હતી જેથી આરપીએફના જવાનો પેસેન્જરની વચ્ચે પહોંચ્યા હતા, આરપીએફના જવાનોએ અમારી ફરિયાદ લેવાના બદલે અમારી સાથે જીભા જોડી પર ઉતરી ગયા હતા અને ટ્રેન જવા દો તમારે ફરિયાદ કરવી હોય તો અગલા સ્ટેશન ઉપર ફરિયાદ કરી દો એવું કહ્યું હતું. પરંતુ જે લોકોનો સામાન ચોરી થયો હતો તે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને તે સમયે જ જીઆરપીના જવાન આવ્યો હતો અને તેઓ જણાવ્યું હતું કે અમે એક વ્યક્તિને પકડ્યો છે જેની પાસે 3 બેગ મળ્યા છે.
ત્યારબાદ બે-ત્રણ વ્યક્તિના સામાન મળ્યા હતા. અને અમે ત્યાં એફઆઇઆર કરી હતી જેથી અન્ય લોકોના પણ સામાન મળી શકે. પરંતુ આ તમામ ઘટનામાં આરપીએફની કામગીરી ખૂબ જ નબળી જોવા મળી હતી તેમણે ફરિયાદ લેવાના બદલે અમારી જોડે માત્ર જીભા જોડી કરીને ટાઈમ વેસ્ટ કર્યો હતો જ્યારે જીઆરપીએ એક જ કલાકમાં ચોરને પકડી પડ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં રેલ્વેની ખૂબ બેદરકારી સામે આવી હતી, જ્યારે એક વ્યક્તિ 2500 રૂપિયાથી વધુની ટિકિટ લઈ સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરતો હોય એ છતાં એની કોઈ સેફ્ટી હોતી નથી. યાત્રાળુઓ અને આરપીએફના જવાનો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ખબર પડે છે કે ચોર પકડાઈ ગયો. કેવી રીતે આટલા સમયમાં ચોર પકડાય છે તે પણ એક વિચારવાની વાત છે.
એક તરફ રેલવે વિભાગ મહિલા સુરક્ષા બાબતે વાત કરે છે બીજી તરફ પાંચથી વધુ મહિલાઓના સામાન ચોરી થવાની ઘટના સામે આવી છે આ રેલવે વિભાગ સામે એક મોટો સવાલ છે. આરપીએફના જવાનોનું વર્તન પણ આ ઘટનામાં સામે આવ્યું છે.
બીજી તરફ રેલવેમાં આવતા અટેન્ડેન્ટ કેટલા અંશે વિશ્વાસનીય હોય છે તે પણ એક સવાલ છે કારણ કે રાત્રિ દરમિયાનની મુસાફરીમાં કોચની અંદર એટેન્ડન્ટ અવરજવર કરતા હોય છે કે બહાર બેઠેલા હોય છે. તો શું રેલ્વે પ્રશાસન દ્વારાઆ અટેન્ડેન્ટ સ્ટાફની તપાસ કરવામાં આવે છે કે નહિ તે પણ એક સવાલ છે.