સુરતનો વિચિત્ર કિસ્સો: ‘સાથે આપઘાત કરીશું’ કહી પ્રેમી ત્રીજા માળે લઇ ગયો, તરૂણી કૂદી પડી અને પ્રેમી ફરાર
Meta AI Image |
Surat News : સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 17 વર્ષ 7 મહિનાની તરુણી અગાઉ વરાછા વિસ્તારમાં રહેતી હતી. ત્યારે સાત મહિના અગાઉ ત્યાં રહેતા યુવાને તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. જોકે, બાદમાં તેણે અન્ય યુવતી સાથે સગાઈ કરી દીધી હતી અને ગત શુક્રવારે તરુણીને મળવા તેના અમરોલીના ઘરે ગયો ત્યારે તરુણીને વાતોમાં ભોળવી સાથે આપઘાત કરવા ઉપર ગયો હતો. પરંતુ તરુણી ત્રીજા માળેથી કૂદી તે સાથે યુવાન ત્યાંથી ભાગી ગયો હતો. હોસ્પિટલમાં તરુણી ગર્ભવતી હોવાનો ખુલાસો થયા બાદ યુવાનના કરતૂતની જાણ તરુણીના પરિવારને થતા રવિવારે તેના વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભાગી છૂટેલા યુવાનને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
તરૂણી કૂદી ત્યારે પ્રેમી હાથ છોડીને ભાગ્યો
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ગીર સોમનાથનો વતની અને સુરતમાં વરાછા ચોપાટી સામે ઘનશ્યામનગરમાં રહેતો સોહમ સાદુળભાઇ ગોહીલ સાડીના ખાતામાં કામ કરે છે. લગભગ વર્ષ અગાઉ તે નજીકના સાડીના ખાતામાં કામ કરતી અને તે વખતે વરાછા વિસ્તારમાં રહેતી હાલ 17 વર્ષ 7 મહિનાની તરુણીના સંર્પકમાં આવ્યો હતો. તરુણી પણ તેના વતન તરફની હોય બંનેની મિત્રતા વધી હતી અને ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક વધતા તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. સોહમે તરુણીને લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ પણ બાંધ્યો હતો.
જોકે, ત્રણ મહિના અગાઉ સોહમની અન્ય યુવતી સાથે સગાઈ થતા તરૂણી ભાંગી પડી હતી. ગત શુક્રવારે રાત્રે સોહમ તરુણીને મળવા તેના અમરોલીના ઘરે ગયો હતો અને તેને વાતોમાં ભોળવી સાથે આપઘાત કરવા ત્રીજા માળે લઈ ગયો હતો.બંને એકબીજાનો હાથ પકડી કૂદકો લગાવવાના હતા.જોકે, તરુણીએ કૂદકો માર્યો તે સમયે સોહમ હાથ છોડીને ત્યાંથી ભાગી ગયો હતો. આ તરફ તરુણી નીચે પટકાતા તેને મોઢાના ભાગે તથા કમરથી પગના ભાગે ઇજા થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે તે ગર્ભવતી હોવાની પણ જાણ થતા તેના પરિજનો ચોંક્યા હતા.
આ અંગે તરુણીને પૂછતાં તેણે સોહમ સાથેના સંબંધ અને સાથે આપઘાત કરવા ગયા હતા તેની જાણ કરી હતી.તેની કેફિયતના આધારે વરાછા પોલીસે ગતરોજ તરુણીના પરિજનની ફરિયાદના આધારે સોહમ ગોહીલ વિરુદ્ધ ગુનો નોંધી તે મોબાઈલ ફોન બંધ કરી ફરાર થયો હોય તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.વધુ તપાસ પીઆઈ આર.બી.ગોજીયા કરી રહ્યા છે.