ગર્લફ્રેન્ડે લગ્નની ના પાડી દેતા આવેશમાં આવીને પ્રેમીનો આપઘાત
દારૃના નશામાં પત્નીને ઘરની બહાર કાઢી મૂકી પતિએ ફાંસો ખાઇ લીધો
વડોદરા,ગર્લફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડતા આવેશમાં આવીને યુવકે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જ્યારે અન્ય એક બનાવમાં દારૃનો નશો કરીને પત્નીને ઘરમાંથી કાઢી મૂકી પતિએ જીવન ટૂંકાવી દીધું હતું.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હુજરત ટેકરા બાવચાવાડમાં રહેતા ૨૧ વર્ષના પ્રિયાંશુ મહેશભાઇ પરમારે ગઇકાલે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. સિટી પોલીસ સ્ટેશનના હે.કો. ઉમેશભાઇએ પરિવારજનોની પૂછપરછ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે, પ્રિયાંશુને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.પરંતુ, તેણે લગ્નની ના પાડતા આવેશમાં આવીને તેણે આપઘાત કરી લીધો હતો.
જ્યારે અન્ય એક બનાવમાં પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સમા કેનાલ રોડ પુરૃષોત્તમ નગરમાં રહેતો વિમલેશ હીરાલાલ શર્મા (ઉં.વ.૩૦) મૂળ યુ.પી.નો વતની છે. વડોદરામાં છેલ્લા ત્રણ વર્ષથી રહેતો વિમલેશ સુથારી કામ કરતો હતો. ગઇકાલે દારૃનો નશો કરીને આવીને તેણે પત્ની સાથે ઝઘડો કરી પત્નીને સંતાનો સાથે ઘરની બહાર કાઢી મૂકી પોતે પંખા પર લટકી જઇને આપઘાત કરી લીધો હતો.
ત્રીજા બનાવની વિગત એવી છે કે, ભાયલીમાં રહેતા ૨૮ વર્ષના નિલેશ નગીનભાઇ પરમારે બીમારીથી કંટાળીને ફાંસો ખાઇ લીધો હતો.