ખંડેરાવ માર્કેટ નજીક લારીવાળાઓનો દુકાનદાર પર હુમલો
સમગ્ર શહેરમાં લારી,ગલ્લા હટાવતા કોર્પોરેશનને કચેરીની બહારના દબાણો દેખાતા નથી
વડોદરા,ખંડેરાવ માર્કેટ નજીક ચાની લારી ચલાવતા ત્રણ વ્યક્તિઓએ દુકાનદાર પર હુમલો કર્યો હતો. જે અંગે નવાપુરા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ન્યૂ વી.આઇ.પી.રોડ વલ્લભ બંગ્લોઝમાં રહેતા મુકેશ શ્યામસુંદર પેશવાણીની ખંડેરાવ માર્કેટમાં શ્યામસુંદર શોભામલ નામની દુકાન ચલાવે છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારી પીકઅપ વાનમાં દુકાનમાં સામાન પહોંચાડુ છું. ગાડી બહાર કાઢવા માટે અન્ય ગાડીઓ નડતરરૃપ બનતી હોઇ હું ગાડીવાળાને કહેવા જતા ગોપાલ શ્યામલાલ રાધવાણી, નાનક શ્યામભાઇ રાધવાણી તથા જયેશ નાનકભાઇ રાધવાણી (રહે. કોટ વિસ્તાર, વારસિયા)એ મારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો. આ ત્રણેય જણા ચાની લારી પણ ચલાવે છે. તેઓએ મને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર શહેરમાં લારી, ગલ્લા હટાવતા કોર્પોરેશનના તંત્ર દ્વારા તેમની કચેરીની નજીક જ લારી, ગલ્લાના દબાણ દેખાતા નથી.