વડોદરામાં આવતીકાલે ચાંદીની પાલખીમાં બિરાજિત પ્રભુ વિઠ્ઠલનાથજી નગરચર્યાએ નીકળશે
Vadodara : વડોદરા શહેરની મધ્યમાં માંડવી નજીક દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પૌરાણિક વિઠ્ઠલ મંદિરથી પરંપરાગત રીતે પ્રસ્થાન થતો દેવઉઠી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજી ચાંદીની પાલખીમાં બિરાજીત થઈને આવતીકાલે તા.12 ને મંગળવારે મંદિરેથી ઢોલ નગારા બેન્ડવાજાની સુરાવલી સાથે વિશાળ ભક્ત સમુદાય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલાના ઉદઘોષ સાથે સવારે 9 વાગે પ્રભુ દિનચર્યાએ પ્રસ્થાન કરશે.
ઉલ્લેખનીય છે કે આ શુભ પ્રસંગે રાજવી પરિવાર દ્વારા પ્રતિવર્ષ પ્રભુને શ્રદ્ધાપૂર્વક અને ભક્તિ ભાવથી પ્રસ્થાન કરાવે છે. આ વર્ષે પણ ગાયકવાડ પરિવાર આ ધાર્મિક પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે. આ અંગે ચાંદીની પાલખીની સફાઈની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ શુભ પ્રસંગે મંગળા આરતી વહેલી સવારે ત્રણ વાગે અને શૃંગાર આરતી સવારે 7 વાગે યોજાશે. રાજમાર્ગો પરથી પસાર થનારા પ્રભુના વરઘોડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. વરઘોડો કારેલીબાગ-ખાસવાડી રોડ પર ગહના બાઇ મહાદેવ મંદિરે વિરામ કરીને પાલખીમાં બિરાજીત પ્રભુ નાગરવાડા થઈને પુનઃ વિઠ્ઠલ મંદિરે પરત પહોંચશે. આવતીકાલે પ્રભુ વિઠ્ઠલનાથજીની નગર ચર્યા બાદ માંગલિક પ્રસંગોનો પ્રારંભ થશે.