ભગવાન શ્રી રામે 11 રાજ્યો અને નેપાળ,શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો
અયોધ્યાથી શ્રીલંકા-જનકપુરીના 2 પ્રવાસમાં 290 સ્થળોએ દર્શન દીધા વિહિપે જારી કરેલી સંશોધનની વિગતોમાં ગુજરાત સમાવિષ્ટ નથી પણ ડાંગ જિલ્લામાં રામનો શબરી સાથે મિલાપ થયો હતો
રાજકોટ, : કેટલાક વિદ્વાનોના મતે આજથી 7137 વર્ષ પહેલા અયોધ્યામાં ચૈત્ર સુદ-9ના દિવસે બપોરે 12થી 1 વચ્ચે અભીજીત મુહૂર્તમાં પ્રગટ થયેલા અને આજે કરોડો હિન્દુઓ અને વિદેશોમાં પણ આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રી રામે તેમના અવતાર કાર્યમાં ભારત ભ્રમણ કર્યું તે અંગે દિલ્હીના એક અભ્યાસુએ વાલ્મિકીજી અને તુલસીદાસ કૃત રામાયણ પરથી કરેલા સંશોધન મૂજબ આજે રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિગતો જારી કરાઈ છે જે મૂજબ ભગવાન રામે દેશના 11 રાજ્યોમાં તથા નેપાળ અને શ્રીલંકા સુધી ભ્રમણ કર્યું હતું.
રામે મુખ્ય બે ખૂબ લાંબા પ્રવાસો પગપાળા કર્યા તેમાં શ્રીલંકા સુધીનો પ્રવાસ અને તે પહેલા જનકપુરી સુધીનો પ્રવાસમાં કૂલ 290 સ્થળોની મુલાકાત લીધી હતી. એ સમયે વિદ્યાર્થી જીવનમાં વિદ્યાભ્યાસ સાથે જગતને જાણવા પ્રવાસનું મહત્વ હતું. કિશોરાવસ્થામાં રામ અને લક્ષ્મણને મહારાજા દશરથે મહર્ષિ વિશ્વામિત્ર પાસે મોકલ્યા હતા ત્યારે વિશ્વામિત્ર રાજા જનકનું આમંત્રણ સ્વીકારીને જનકપુરી ગયા હતા જે પ્રવાસમાં રામ 41 સ્થળોએ ગયા હતા. આ વખતે રાક્ષસો તાડકા અને સુબાહોનો વધ કરીને અહલ્યાનો ઉધ્ધાર કર્યો હતો.
બાદ 14 વર્ષના વનવાસ દરમિયાન શ્રીલંકા પગપાળા પહોંચ્યા ત્યારે માર્ગમાં 249 મહત્વના સ્થળો આવ્યા હતા જ્યાં રોકાણ કર્યું હતું. આ પ્રવાસ ભારતના ઉત્તરથી દક્ષિણ સુધી સમુદ્ર પારનો છે, આ પ્રવાસનો રૂટ 3322 કિ.મી.થી વધારે છે. રામનો વનવાસ ઋષિમુનિઓ જે એ વખતના આજથી અનેકગણા ચડિયાતા પરમ વિદ્વાન વૈજ્ઞાાનિકો હતા તેમના આશ્રમો અને મુખ્યત્વે નદી કાંઠે પ્રવાસ રહેતો. ગોમતી, સરયુ, ગંગાજી, યમુનાજી, મંદાકિની, કેન, નર્મદા, સોન, મહાનદી, ઈન્દ્રાવતી, ગોદાવરી, કપિલાય, ભીમા, તુંગભદ્રા, કાવેરી સહિત નદીઓ પાસેથી રામ પસાર થયા હતા.
વનવાસ દરમિયાન રામ અયોધ્યાથી ચિત્રકૂટ, ચિત્રકૂટથી સુતીક્ષણ આશ્રમ, ત્યાંથી દંડકવન, પંચવટી, લંકા એ માર્ગે રોકાણ સાથે પ્રવાસ કર્યો. વનવાસ દરમિયાન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડીસા, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ એ 9 રાજ્યોનો અને તે પહેલા જનકપુરી યાત્રા વખતે ઉત્તરપ્રદેશ, બિહાર રાજ્ય સહિત કૂલ 10 રાજ્યોમાં પ્રવાસ કર્યાનું જણાવાયું છે.
આ યાદીમાં ગુજરાતનો ઉલ્લેખ નથી પરંતુ, ડાંગ જિલ્લા વહીવટી તંત્રની વેબસાઈટ મૂજબ ગુજરાતના ડાંગ જિલ્લાના સાપુતારા તાલુકામાં સુબીર ગામથી 4 કિ.મી.ના અંતરે શબરીધામ આવેલ છે ત્યાં ભગવાન રામ વનવાસ દરમિયાન વર્ષોથી તેમનો ઈંતજાર કરતી ભક્ત શબરીને દર્શન આપ્યા હતા. આ સ્થળે ઈ. 2004માં બંધાયેલ શબરીમંદિર પણ આવેલું છે અને આ શબરીધામથી 6 કિ.મી.ના અંતરે પંપા સરોવર કે જેનો રામાયણમાં ઉલ્લેખ છે તે આવેલ છે એ લોકોની હજારો વર્ષથી શ્રધ્ધા છે. તો બીજી તરફ પંપા સરોવર કર્ણાટક રાજ્યમાં આવ્યાનું પણ કેટલાક જણાવે છે. એટલું જ નહીં, ડાંગ જિલ્લામાં અંજન નામનું ગામ તથા પર્વત છે જ્યાં મારુતિનંદન રામભક્ત હનુમાનજીનો જન્મ થયાની પણ લોકો શ્રધ્ધા ધરાવે છે.