જૂનાગઢના મૃગીકુંડમાં આજે ભગવાન શિવ કરશે સ્નાન, નાગાસાધુઓ-અખાડાઓ સાથે નીકળશે રવેડી યાત્રા
Mahashivratri Mela Ravedi 2025: મહાશિવરાત્રિનો તહેવાર સમગ્ર ભારતમાં ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે. જૂનાગઢના ભવનાથમાં લગભગ 150 વર્ષથી શિવરાત્રિની રાત્રે નાગાસાધુ, અઘોરી અને વિવિધ અખાડા દ્રારા નિકળતી રવેડી યાત્રાનું પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ મહત્ત્વ રહેલુ છે.
આ યાત્રા ભારતી આશ્રમથી ભવનાથ મહાદેવ મંદિર સુધી જાય છે
મહાશિવરાત્રિની રાત્રે અખાડાઓ સાથે અઘોરીઓ, નાગાસાધુઓ, સંતો દ્વારા ધ્વજારોહણ પછી નિકળતી યાત્રાને રવેડી કે રવાડી યાત્રા કહેવામાં આવે છે. મહાશિવરાત્રિની રાત્રિએ નાગાબાવાઓ દ્વારા મૃગીકુંડ તરફ શિવયાત્રાનો શુભારંભ થાય છે, જે ભારતી આશ્રમથી ભવનાથ મહાદેવ મંદિર સુધી જાય છે. રવાડી યાત્રામાં આખા ભારતભરમાંથી નાગાબાવા, અઘોરી અને બીજા અનેક સંપ્રદાયના સાધુ-સંતો ઉત્સાહપૂર્વક જોડાય છે. જૂના અખાડા, ત્રિપન્દશનામ, ત્રિપન્દશનામ જૂના અખાડા, ત્રિપન્થ અખાડા, આવહાન અખાડા, ત્રિ-અગ્નિ અખાડા વગેરે અખાડાની રવાડી નિકળતી હોય છે.
પ્રથમ આદ્યગુરુ દત્તાત્રેય મહારાજની શાહી સવારી હોય છે
જૂનાગઢમાં નીકળતી નાગબાવાની આ યાત્રામાં પ્રથમ આદ્યગુરુ દત્તાત્રેય મહારાજની શાહી સવારી હોય છે અને બીજી પાલખીમાં ગણપતિ મહારાજ બિરાજમાન હોય છે. ત્રીજી પાલખીમાં ગાયત્રી માતા બિરાજમાન હોય છે. આ સાથે વિવિધ સાધુ-સંતો અને મહામંડલેશ્વરોની પાલખીઓનો સમાવેશ થાય છે.
ભવનાથની રવાડી યાત્રામાં સાક્ષાત શિવ પણ હોય છે
ભવનાથની રવાડી યાત્રામાં સાક્ષાત શિવ, શાહિગુરુ, નવનાથ, 84 સિદ્ધ મૃગીકુંડમાં સ્નાન કરવા ઉપસ્થિત રહે છે. રવેડી યાત્રામાં હર હર મહાદેવ, ઓમ્ નમ: શિવાય, બમ બમ ભોલે, નાદથી સમગ્ર વાતાવરણ શિવભક્તિમાં ડૂબી જાય છે. સતત ત્રણ કલાક ચાલતી આ રવાડીયાત્રામાં નાગાબાવા વિવિધ કરતબો પણ કરતાં હોય છે અને હર હર મહાદેવનાં નારા ગુજતાં હોય છે.
આ પણ વાંચો: 614 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભદ્રકાળીની નગરચર્યા યોજાઈ, રથ-શ્રદ્ધાળુઓ મંદિરે પરત
આ દિગંબર(નાગા) બાવામાં ભગવાન શિવ જોડાયેલા હોય છે
લોકમાન્યતા મુજબ આ દિગંબર(નાગા) બાવામાં ભગવાન શિવ જોડાયેલા હોય છે. રવાડી યાત્રા પૂરી થયા પછી મૃગીકુંડમાં નાગાબાવા સ્નાન કરે છે. અંગકસરતનાં અવનવાં કરતબો સાથે હાથમાં લાઠી, ભાલા, ત્રિશૂળ, ડમરુ, અંગ પર ભભૂતીથી શોભતી નાગા બાવાઓની મોટી ફોજ શિવના જયઘોષ કરતાં કરતાં આગળ વધતા હોય છે.
દર વર્ષે અહીં ભરાતા મહાશિવરાત્રિના મેળાનું અનેરું મહત્ત્વ
પૌરાણિક માન્યતા એવી છે કે, આ યાત્રામાં સાધુઓની વચ્ચે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમજ આદ્યગુરુ દત્તાત્રેય ભગવાન પણ મૃગીકુંડમાં સ્નાન કરવા પધારતા હોય છે. અને મધ્યરાત્રિએ શૈવ સંપ્રદાયના સાધુઓ તેમજ નાગાબાવાઓ પ્રથમ મૃગીકુંડમાં હર હર મહાદેવના નારા સાથે ડુબકી લગાવે છે. દર વર્ષે અહીં ભરાતા મહાશિવરાત્રિના મેળાનું અનેરું મહત્ત્વ રહેલું છે.
નાગા બાવાઓ પણ બે પ્રકારના હોય છે
નાગાબાવા તેમજ અઘોરીઓ અને સાધુ સંતોએ સમૂહસ્નાન બાદ આ નાથ સંપ્રદાયના નાગાબાવાઓ શિવજીના નાદ સાથે પાછા ફરી ગિરનારની કંદરાઓમાં પોતાના મૂળ સ્થાને પહોંચી જાય છે. માહિતી પ્રમાણે નાગા બાવાઓ પણ બે પ્રકારના હોય છે. કંદોરો અને મુંજધારી. લંગોટમાં પણ એક ખાસ પ્રકાર છે. જેમાં કેટલાક સાધુઓ લોખંડની લંગોટ પહેરે છે.