Get The App

ભગવાન નરસિંહજીના લગ્ન સંપન્ન : આજે વહેલી સવારે વરઘોડો નિજ મંદિરે પરત આવતા ઓવારણા લેવાયા

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
ભગવાન નરસિંહજીના લગ્ન સંપન્ન : આજે વહેલી સવારે વરઘોડો નિજ મંદિરે પરત આવતા ઓવારણા લેવાયા 1 - image


Vadodara : ભગવાન નરસિંહજી અને તુલસીજીના લગ્ન પ્રસંગ તુલસીવાડી ખાતે ભવ્ય ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ભક્ત મંડળીની ભજનોની સુરાવલીએ વાતાવરણમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો. જ્યારે મહિલાઓએ ભજનોની રમઝટ બોલાવી હતી.

વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે શુભ લગ્ન સંપન્ન થયા બાદ ભગવાન તુલસીજી સાથે પાલખીમાં બિરાજીત થઈને નિજ મંદિરે નરસિંહજીની પોળ ખાતે પરત પધાર્યા હતા. તુલસીવાડીથી પરત નીજ મંદિરે આવતા પુન: બેન્ડવાજા અને ભજન મંડળીઓએ પણ ભજનોની રમઝટથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. પ્રભુના પરત આવવાના માર્ગે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. જ્યારે વાહનો માટે ડાયવર્ઝન યથાવત રહ્યું હતું. ફતેપુરા સહિતના માર્ગમાં ઠેર ઠેર પ્રભુનું ભાવભીનું સ્વાગત કરાયું હતું.

ભગવાન નરસિંહજીના લગ્ન સંપન્ન : આજે વહેલી સવારે વરઘોડો નિજ મંદિરે પરત આવતા ઓવારણા લેવાયા 2 - image

આ અગાઉ નરસિંહજીના મંદિરેથી ધુમ ધડાકા સાથે પ્રસ્થાન થયેલો વરઘોડો ભાવિક ભક્તો અને શરણાઈના સૂર સાથે વાસ્તે ગાજતે મોડી સાંજે માંડવી રોડ ઉપર આવતા ભાવિક ભક્તોનું ઘોડાપૂર પ્રભુના લગ્ન મહાલવા ઉમટ્યું હતું. આન બાન  શાન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રભુનો વરઘોડો ફતેપુરા રોડ પરથી પસાર થતા મુસ્લિમ સમુદાયો દ્વારા પ્રભુનું હાર્દિક સ્વાગત કર્યું હતું. 288માં વરઘોડામાં ઉપસ્થિત હનુમાનજીના વેશધારકે ખાસ આકર્ષણ જમાવ્યું હતું. હનુમાનજીના ચરણસ્પર્શ કરવા ભક્તોની પડાપડી થતી જોવા મળી હતી. ફટાકડાના ધૂમ ધડાકા સાથે રાત્રે નિયત સમયે પ્રભુનો વરઘોડો તુલસીવાડી મંદિરે પહોંચતા ભવ્ય આરતી કરાઈ હતી. પ્રભુ ના લગ્ન પ્રસંગે રાજકારણીઓ, સામાજિક કાર્યકરો સહિત ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટયા હતા. પૂનમ ભરીને પરત આવેલા શહેર કોંગી પ્રમુખ કાર્યકર્તાઓ સાથે વહેલી સવારે 3.30 વાગ્યાના સુમારે તુલસીવાડી ખાતે ભગવાન નરસિંહજીના દર્શન કરીને ધન્ય થયા હતા.


Google NewsGoogle News