માથાભારે કલ્પેશ કાછીયાની સામે લૂક આઉટ નોટિસ જારી
કલ્પેશ અગાઉ દુબઇ કયા કારણથી ગયો હતો, તેની તપાસ થાય તો વધુ વિગતો પ્રકાશમાં આવે
વડોદરા,વ્યાજખોરીના ગુનામાં છેલ્લા ૧૧ દિવસથી પોલીસે હાથતાળી આપીને ભાગતા માથાભારે કલ્પેશ કાછીયાના પાસપોર્ટની વિગતો પોલીસે મેળવી છે. કલ્પેશ કાછીયો વિદેશ ના ભાગી જાય તે માટે પોલીસે લૂક આઉટ નોટિસ જારી કરી છે. જેથી, કલ્પેશ કાછીયા માટે હવે દેશ છોડવું મુશ્કેલ બન્યું છે.
નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફ્રૂટના વેપારી નરેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી. જેની વિગત એવી હતી કે,નરેશભાઇને પૈસાની જરૃરિયાત પડતા તેમણે ૪૭ લાખ સંતોષભાઇ ઉર્ફે બાબુભાઇ ભાવસાર ( રહે. રાજસ્થંભ સોસાયટી,રાજમહેલ રોડ) વ્યાજે લીધા હતા. તેની સામે પોણા બે કરોડ રૃપિયા ચૂકવ્યા હોવાછતાંય સંતોષ ભાવસારની સતત ઉઘરાણીથી કંટાળીને વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં કલ્પેશ અરવિંદભાઇ પટેલ ઉર્ફે કલ્પેશ કાછીયો ( રહે. રાધે ફ્લેટ, ઓલ્ડ પાદરા રોડ) નું નામ ખૂલતા પોલીસ તેને શોધી રહી છે. પોલીસની અલગ - અલગ ટીમો તેને પકડવા જિલ્લા અને રાજ્ય બહાર તપાસ ચલાવી રહી છે. કલ્પેશ કાછીયાની તપાસ માટે પોલીસની ટીમ આજે આણંદ ગઇ હોવાની માહિતી મળી છે.જોકે,તેનો કોઇ પત્તો મળ્યો નથી. વર્ષ - ૧૯૯૦થી ગુનાખોરીની દુનિયામાં સક્રિય કલ્પેશ કાછીયા સામે ૨૦ ગુનાઓ નોંધાયા છે. તેમજ પાંચ વખત તેની પાસામાં અટકાયત કરવામાં આવી છે. કલ્પેશ કાછીયાનું નામ ખૂલતા પોલીસ તેને શોધી રહી છે. પરંતુ, તે મળી આવ્યો નથી. કલ્પેશ કાછીયો વિદેશ ભાગી ના જાય તે માટે પોલીસ દ્વારા પાસપોર્ટ ઓફિસમાંથી વિગતો મેળવી લૂક આઉટ નોટિસ જારી કરવામાં આવી છે. જેથી, કલ્પેશનું વિદેશ ભાગવું હવે મુશ્કેલ બન્યું છે.પોલીસ દ્વારા દેશના તમામ એરપોર્ટ પર આ અંગે જાણકારી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત કલ્પેશે એક વર્ષ અગાઉ દુબઇ ગયો હતો. તે દુબઇ કયા કારણસર ગયો હતો અને ત્યાં જઇને તેણે શું કર્યુ તે દિશામાં તપાસ થાય તો ઘણી વિગતો પ્રકાશમાં આવે તેવી શક્યતા છે. પરંતુ, કલ્પેશની ધાકના કારણે કોઇપણ વ્યક્તિ સામે આવીને કંઇપણ કહેવા તૈયાર નથી. જે પોલીસ તંત્રની સૌથી મોટી નિર્બળતા છે.