આધારકાર્ડની ધીમી કામગીરીથી સેન્ટરો ઉપર લાંબી લાઇનોઃઅરજદારો હેરાન
કલોલ નગરપાલિકા સહિત સમગ્ર જિલ્લામાં
ટોકન આપવામાં આવે છે પરંતુ બીજા દિવસે પણ વારો આવતો નથી ઃ રેશનિંગ કાર્ડના કામો પણ ટલ્લે ચઢ્યા
સરકાર દ્વારા રેશનકાર્ડમાં ઇ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું
છે તેની સાથે શાળાઓમાં પણ બાળકોની શિષ્યવૃત્તી તથા અપર આઇડીની કામગીરી માટે આધારકાર્ડમાં
સુધારા વધારા કરવાની કામગીરી ખુબ જ વધી રહી છે. તેના કારણે ગાંધીનગર જિલ્લાના તમામ
આધાર કેન્દ્રો ઉપર વહેલા સવારથી લાઇનો લગાવીને લોકો ઉભા રહેતા હોય છે પરંતુ લાઇનોનો
ધસારો એટલો હોય છે કે ઘણા કેન્દ્રો ઉપર ટોકન સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે પરંતુ ઘણા
સેન્ટરો ઉપર કર્મચારીઓ અને ઓપરેટરો મોડા આવતા હોવાની ફરિયાદ ઉઠી છે.
કલોલ નગરપાલિકાના આધાર નોંધણી કેન્દ્ર પર પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. નાગરિકો વહેલી સવારથી સેન્ટર બહાર લાઇનો લગાવતા હોય છે અને તેમને ટોકન આપવામાં આવે છે પરંતુ બીજા દિવસે પણ તેમનો વારો આવતો નથી. તંત્ર દ્વારા આધાર સંબંધીત કામગીરી માટે ૩૮ જેટલા કેન્દ્રો છે ત્યારે આ સેન્ટરો પણ વધારવા માટે માંગણી ઉઠવા પામી છે. એટલુ જ નહીં, જિલ્લામાં કોઇ એક અધિકારીને નોડલ નીમીને આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન અને મોનીટરીંગ કરાવવું પડે તેમ લાગી રહ્યું છે અથવા તો તાલુકા મથકોએ કિટ વધારીને નાગરિકોને આ હેરાનગતિમાંથી ઉગારવા માટે પ્રયાસ કરવા જોઇએ.