ગિરિમથક સાપુતારામાં લાંબા સમયથી બંધ એડવેન્ચર એક્ટિવિટી ફરી શરૂ, પ્રવાસીઓમાં આનંદ
Saputara Hill Station: શાળા-કોલેજોમાં દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે, ત્યારે ગુજરાતનું હિલ સ્ટેશન ગણાતું સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. પરંતુ પ્રવાસીઓમાં આનંદના સમાચાર એ છે કે, સાપુતારામાં લાંબા સમયથી બંધ એડવેન્ચર એક્ટિવિટી ફરી શરૂ કરાઈ છે.
રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યમાં તમામ ગેમ ઝોન તાત્કાલિક અસરથી બંધ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત પ્રવાસન સ્થળો એડવેન્ચર એક્ટિવિટી પર પ્રતિબંધ મુકાયો હતો. ત્યારે હવે દિવાળીનાં તહેવારોમાં પ્રવાસીઓને મનોરંજન મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સાપુતારા ખાતે આવેલ સહ્યાદ્રી એડવેન્ચર પાર્કને સુરક્ષાનાં નિયમો સાથે પેરાગ્લાઈડીંગ એડવેન્ચર એક્ટિવિટી કરવા મંજૂરી આપાઈ છે. આ ઉફરાાંત એડવેન્ચર પાર્કને સુરક્ષાનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ફટાકડાં ફોડવા મામલે મહેસાણામાં બબાલ! ફાયરિંગમાં 2ને ગોળી વાગી, એક મહિલાનું મોત
સરકારે આ મંજૂરી આપતા પહેલા સુરક્ષાના તમામ પાસાઓની કાળજીપૂર્વક તપાસ કરી છે. એડવેન્ચર પાર્કને સુરક્ષાનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે. જેથી પ્રવાસીઓ સુરક્ષિત વાતાવરણમાં એડવેન્ચરનો આનંદ માણી શકે. જોકે, હજું બોટિંગ અને રોપવે શરૂ કરવા મંજૂરી આપી નથી.
સાપુતારામાં અનેક પિકનિક સ્પોટ છે
ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા હરવા ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. અહીં અનેક પિકનિક સ્પોટ છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી ટેકરીઓ ઉપરાંત તળાવ પણ આવેલું છે જે હિલ સ્ટેશનથી અંદાજે 1.5 કિ.મી. દૂર છે. રાજ્યના આ હિલ સ્ટેશન પર દૂર દૂરથી લોકો કુદરતી દૃશ્યોનો નજારો જોવા પહોંચે છે. ઉલ્લેખનીય છે કે, સાપુતારાની વર્ષ 2022માં 8.16 લાખ તેમજ 2023માં 11.13 લાખ પ્રવાસીએ મુલાકાત લીધી હતી.