Get The App

'ગેનીબેનને હરાવવા ભારે પડશે' તેવી રજૂઆત કરાઈ હતી, ભાજપના દિગ્ગજ નેતાની જીદ ભારે પડી

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
'ગેનીબેનને હરાવવા ભારે પડશે' તેવી રજૂઆત કરાઈ હતી, ભાજપના દિગ્ગજ નેતાની જીદ ભારે પડી 1 - image


Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો પર વિજય હાંસલ કર્યો છે પણ બનાસકાંઠા બેઠક જીતીને કોંગ્રેસ દસ વર્ષ બાદ ખાતુ ખોલાવવામાં સફળ થઈ છે. ગેનીબેન ઠાકોરે એકલા હાથે ભાજપના વિજય રથનો રોક્યો છે જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમસ્ટેટમાં ભાજપ 26 પૈકી 26 બેઠકો જીતી શકી નહી. 

તો આ પરિણામ આવ્યુ ન હોત

હવે ભાજપમાં એવો ગણગણાટ છેકે, જો રેખા ચૌધરીને સ્થાને અન્ય મજબૂત ઉમેદવાર હોત તો આ પરિણામ આવ્યુ ન હોત. મહત્વની વાત તો એછેકે, ઉમેદવાર બદલવા માટે કમલમમાં પાટીલને રજૂઆત કરાઈ હતી તેમ છતાંય કોઇ ધ્યાન અપાયુ ન હતું. બનાસકાંઠા બેઠક પર બનાસની બેનની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલાં ગેનીબેન ઠાકોરે ભાજપને ચૂંટણી મેદાને મ્હાત આપી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં તો જાણે નવા પ્રાણ ફુંકાયા છે. 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યાં છે. ભારે રસાકસીના અંતે ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીને હરાવ્યા હતાં.

કોંગ્રેસે ભાજપનો નશો ઉતાર્યો

કોંગ્રેસે એક બેઠક પર જીત મેળવીને પાંચ લાખની લીડથી 26 બેઠકો જીતવાનો ભાજપનો નશો ઉતાર્યો છે. હવે ભાજપમાં જ ગણગણાટ ચાલી રહ્યો છે કે, સ્થાનિક નેતાઓના રોષ-રજૂઆતને કારણે સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવાર બદલાયા હતાં. આ સમયગાળા દરમિયાન, બનાસકાંઠાના સ્થાનિક નેતાઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળીને રેખા ચૌધરીને બદલવા માંગ કરી હતી. ભાજપ ગેનીબેન ઠાકોરને હરાવી નહી શકે, ગેનીબેન મજબૂત ઉમેદવાર છે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

શંકર ચૌધરીને માથે ઠીકરું ફોડાયું

ચર્ચા એવી છેકે, રેખા ચૌધરીને બદલવાની માંગ ઉગ્ર બનતાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાજપ પ્રમુખ પાટીલ સાથે બેઠક કરી હતી. શંકર ચૌધરીને ઉમેદવાર યથાવત રાખવાની જીદ સામે પાટીલે નમતુ જોખ્યુ હતું. જેના કારણે સ્થાનિક નેતાઓની રજૂઆતને ધ્યાને લેવામાં આવી ન હતી. આખરે ગેનીબેન ઠાકોરે ભાજપના ગઢમાં ગાબડુ પાડયુ હતું. જો રેખા ચેધરીને બદલવામાં આવ્યા હોત તો કદાચ ભાજપનુ ક્લીન સ્વિપનું સપનું સાકાર થયુ હોત. આમ, હવે જયારે ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીની હાર થઈ છે ત્યારે ભાજપના જ સ્થાનિક નેતાઓ શંકર ચૌધરીને માથે ઠીકરું ફોડી રહ્યાં છે.

'ગેનીબેનને હરાવવા ભારે પડશે' તેવી રજૂઆત કરાઈ હતી, ભાજપના દિગ્ગજ નેતાની જીદ ભારે પડી 2 - image


Google NewsGoogle News