જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની જીતની હેટ્રિક, કોંગ્રેસ ઉમેદવારની કારમી હાર

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની જીતની હેટ્રિક, કોંગ્રેસ ઉમેદવારની કારમી હાર 1 - image


Lok Sabha Election Result 2024: સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જામનગર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમે સતત ત્રીજી વખત જીતની હેટ્રિક લગાવી છે. તેમનો આશરે 238008 મતની જંગી લીડથી વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસે જે.પી. મારવિયાને મેદાને ઉતાર્યા હતા. પૂનમબેન માડમે 620049 મત મળ્યા હતા. જયારે જે.પી. મારવિયાને 382041 વોટ મળ્યા હતા. 

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો જામનગર જિલ્લામાં પણ ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ વંટોળ જોવા મળ્યો હતો, પરંતુ પરિણામમાં તેની કોઈ અસર જોવા મળી નથી.

મત ગણતરી દરમિયાન શરુઆતમાં ભારે રસાકસી જોવા મળી 

જામનગરમા મત ગણતરી દરમિયાન શરુઆતના બે-ત્રણ રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા અને ભાજપના પૂનમબેન માડમ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. એક તબક્કે શરુઆતમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ હતા, પરંતુ ત્યારપછીના દરેક રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે સરસાઈ મેળવી કોંગ્રેસના ઉમેદવારને ખૂબ પાછળ રાખી દીધા હતા.

રૂપાલાના નિવેદનના વિવાદના પગલે જામનગર બેઠક રસપ્રદ 

જામનગર બેઠક પણ રૂપાલાના નિવેદનના વિવાદના પગલે ક્ષત્રિય સમાજના વિરોધ તેમજ ભાજપના આહિર ઉમેદવાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદાર સમાજના ઉમેદવાર હોવાના કારણે ભારે રસપ્રદ બની રહી હતી. ભાજપે તેના ઉમેદવાર તરીકે જયારે પૂનમબેન માડમના નામની જાહેરાત કરી ત્યારથી લઈને પ્રચાર પડઘમ શાંત થયા ત્યાં સુધી દિવસરાત સમગ્ર હાલારના બન્ને જિલ્લામાં સઘન અને ઝંઝાવાતી પ્રવાસ-પ્રચાર કર્યો હતો. 

ભાજપે પ્રચારમાં કોઈ કચાશ છોડી ન હતી

જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો તેમજ વોર્ડ પ્રમુખ, પેઈજ પ્રમુખ સુધીના નાનામાં નાના કાર્યકરોએ પણ તનતોડ મહેનત કરી હતી. આ ઉપરાંત ભાજપ શાસિત ગ્રામ પંચાયતો, નગરપાલિકા, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ અને સભ્યોએ પણ ભાજપના પ્રચારમાં કોઈ કચાશ છોડી ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જામનગર પ્રચાર માટે આવ્યા હતા અને સભા ગજાવી હતી.

કોંગ્રેસનો પ્રચાર ખૂબ જ ઓછો 

જ્યારે તેની સામે કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાનો પ્રચાર ઘણો ઓછો રહ્યો હતો. ખંભાળિયા, ભાટિયા, જામનગર, ભાણવડમાં માત્ર નાની-મોટી સભા યોજાઈ હતી. કોઈ મોટા નેતા આવ્યા ન હતા, તેમજ કોંગ્રેસના સંગઠનના પદાધિકારીઓ તથા કાર્યકરોમાંથી મોટાભાગના પૂરેપૂરા સક્રિય રહ્યા ન હતા. આમ ભાજપના સંગઠન, પૂનમબેન માડમની વ્યક્તિગત લોકપ્રિયતા, ઝંઝાવાતી પ્રચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા વગેરે પરિબળોએ જામનગરની બેઠક ઉપર પૂનમબેન માડમના વિજયને નિશ્ચિત કરી દીધો હતો.

ક્ષત્રિય આંદોલનની અસર ચાલી નથી

જામનગરમાં ક્ષત્રિય સમાજના આંદોલન ફેક્ટરની અસર ચાલી નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક સ્થળે વિરોધ વંટોળ જોવા મળ્યો હતો. પરંતુ ચૂંટણીના પરિણામો પર તેની કોઈ ખાસી અસર જોવા મળી નથી. પરિણામે ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમનો સતત ત્રીજી વખત વિજય થયો છે અને જીતની હેટ્રિક લગાવી છે.

જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની જીતની હેટ્રિક, કોંગ્રેસ ઉમેદવારની કારમી હાર 2 - image


Google NewsGoogle News