'વાઘોડિયાની ધરતી પર ભાજપને મેં જન્મ આપ્યો છે', દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનું નિવેદન
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી માટે પ્રચારનો આજે (પાંચમી મે) ગુજરાતમાં અંતિમ દિવસ છે. ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ માટે પ્રચાર કર્યો હતો. તેમણે જાહેર સભાને સંબોધતા કહ્યું કે, 'વાઘોડિયાની ધરતી પર ભાજપને જન્મ આપનાર મધુ શ્રીવાસ્તવ છે. વાઘોડિયાની ધરતી પર ભાજપને હરાવનાર પણ મધુ શ્રીવાસ્તવ છે.'
મધુ શ્રીવાસ્તવના ભાજપ પર પ્રહાર
ભાજપ ઉમેદવાર પર પ્રહારો કરતા મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, 'તું પૈસાના જોર પર જીતવા નીકળ્યો છે. તારા કાર્યકરો લોકોની જમીન લખાવી લે છે. લોકોની સેવા કરો, લોકોને રોજી રોટી અપાવો, સારા કાર્યો કરો. હું જ્યાં સુધી છું ત્યાં સુધી લોકોની સેવા કરતો રહીશ.'
હું લડી લેવાની તાકાત ધરાવું છું: મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, 'હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ તમામ ધર્મના મારા કાર્યકરો છે અને મારા કાર્યકરોનો કોલર જો કોઈ પકડશે તો તેને ગોળી ન મારું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. મારા કાર્યકરોને મારવાનો કોઈ પ્રયાસ કરતા નહીં. ચૂંટણી તો આવશે અને અને જતી રહેશે. હું લડી લેવાની તાકાત ધરાવું છું.'
ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં રહે છે. અગાઉ તેમણે એક જાહેર સભામાં કહ્યું હતુ કે, 'હજી સાતમી તારીખે ચૂંટણી છે. આ સમય દરમિયાન જો કોઈ તમારો કોલર પકડે તો મધુ શ્રીવાસ્તવ પાસે આવજો, ફાયરિંગ ના કરું તો હું મધુ શ્રીવાસ્તવ નહીં.'
વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્ર સિંહ અને કનુ ગોહિલ વચ્ચે ચૂંટણી જંગ
આગામી સાતમી મેના રોજ રાજ્યમાં લોકસભા અને પાંચ બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. ત્યારે વાઘોડિયા વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના કનુ ગોહિલ વચ્ચે જંગ જામશે. આ ચૂંટણી માટે વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે છેલ્લી ઘડીએ ઉમેદવારી પરત ખેંચી હતી અને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી હતી. ભાજપે અશ્વીન પટેલને ટિકિટ આપી હતી. જો કે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ હતી. ત્યારબાદ હવે તેઓ ભાજપમાં જોડાતા ફરી પેટાચૂંટણી યોજાઈ છે.