ગુજરાતમાં ભાજપના નેતા ડિગ્રી વિવાદમાં ફસાયા, ઉમેદવારી ફોર્મ-બાયોડેટામાં અલગ વિગતો દર્શાવી
Lok Sabha Elections 2024: તાજેતરમાં લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો વચ્ચે જોરદાર જંગ જામી રહ્યો છે ત્યારે વિવિધ બેઠકો પર ઉમેદવારો દ્વારા ફોર્મ ભરીને તેમનું નોમિનેશન કન્ફર્મ કરવામાં આવી રહ્યું છે. આ સૌની વચ્ચે ઉમેદવારો દ્વારા જાહેર કરાતી માહિતીઓને પગલે કેટલાંક ઉમેદવારો વિવાદોમાં ફસાઈ રહ્યા છે. આવો જ એક મામલો સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર સાથે બન્યો છે. તેમના પર કોંગ્રેસ દ્વારા ડિગ્રી અંગેનો આરોપ મૂકવામાં આવ્યો છે.
શું છે મામલો?
સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવારની ડિગ્રીમાં વિસંગતતાઓ જોવા મળી છે. તેમના ઉમેદવારી ફોર્મમાં અને બાયોડેટામાં અલગ અલગ ડિગ્રી દર્શાવાયાનો આરોપ લગાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ તેમના બાયોડેટામાં તેમની ડિગ્રી બી.ઈ.સિવિલ એન્જિનિયર દર્શાવી હતી. જ્યારે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે રજૂ કરેલા સોગંદનામામાં ધોરણ 12 પાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ...
આ મામલો સામે આવતાં જ કોંગ્રેસે આરોપબાજી શરૂ કરી હતી. કોંગ્રેસે આરોપ મૂક્યો કે ડિગ્રી ન હોવા છતાં ચંદુભાઈએ પોતાને એન્જિનિયર ગ્રેજ્યુએટ દર્શાવ્યો હતો. જોકે વિવાદ વધતાં ભાજપ ઉમેદવાર ચંદુભાઈએ ખુલાસો કર્યો કે તેમણે બી.ઈ.સિવિલ એન્જિનિયર તરીકેનો અભ્યાસ પૂર્ણ નથી કર્યો. એટલા માટે તેમણે ઉમેદવારી ફોર્મમાં ધોરણ 12 પાસનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ વતી ઋત્વિક મકવાણાએ આ મામલે નિશાન તાકતાં કહ્યું કે ભાજપ દ્વારા ઉમેદવારોની ડિગ્રી નક્કી કરીને મતદારોને ખોટી રીતે આકર્ષવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.