'નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું કે ગેમ રમાઈ ગઈ..?' ટેકેદારો સગા નીકળ્યાં, કોંગ્રેસની બેદરકારી છતી થઈ
Lok Sabha Elections 2024 | સુરત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે, તેમાં કોંગ્રેસની ઈમેજનું પણ ધોવાણ થયું છે તેના કારણે કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો લાલઘૂમ થઈ ગયા છે. સમગ્ર પ્રકરણમાં જવાબદાર સામે પગલાં ભરવાની માંગણી સાથે નિલેશ કુંભાણીને ટિકિટ અપાવવામાં ભલામણ કરનારું કોણ છે? તે પણ તપાસ થવી જોઈએ તેવી માંગણી કરી છે.
કોંગ્રેસના નેતાઓનું શું માનવું છે...?
આ ઉપરાંત કોંગ્રેસના પ્રવકતાએ તો કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર કોંગ્રેસના કાર્યકર નથી અને ઉમેદવારના સગા છે, તે પક્ષની પણ ભૂલ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ મુદ્દે છેલ્લા બે દિવસથી ચાલતા હાઈવોલ્ટેજ ડ્રામાનો ગઈકાલે બપોરે ફોર્મ રદ થતા અંત આવ્યો હતો. આ મુદ્દે કોંગ્રેસ ભાજપ પર આક્ષેપ કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસના કેટલાક નેતાઓ સમગ્ર પ્રકરણ માટે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને જ જવાબદાર ગણી રહ્યા છે.
ટેકેદારોને કોઈ કોંગ્રેસી ઓળખતું નહોતું...!
સુરતમાં કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ કહ્યું હતું કે છેલ્લાં 24 કલાકમાં જે રાજકીય ઉથલપાથલ મચી તેના માટે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી જ જવાબદાર છે. કુંભાણીએ ફોર્મ ભર્યું ત્યારે તેના ટેકેદારો કોંગ્રેસી ન હતા અને તેમને કોઈ ઓળખતું પણ ન હતું. આ ટેકેદારો કુંભાણીના બનેવી, ભાણેશ અને ધંધાના ભાગીદાર છે. આ લોકોએ એફિટેવિટ દ્વારા જણાવ્યું કે ફોર્મમાં સહી અમારી નથી. તેથી સમગ્ર જવાબદારી કુંભાણીની છે.
તંત્રનું એકતરફી વલણ, આખી વાત શંકાસ્પદ
વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સંજય પટવાએ કહ્યું હતું કે સમગ્ર પ્રકરણમાં પક્ષ બારીકાઈથી નજર રાખી રહી છે, પોલીસ અને તંત્રએ એકતરફી વલણ રાખ્યું છે. આખી વાત શંકાના દાયરામાં આવે છે તે તપાસનો વિષય છે. કોંગ્રેસ સાથે ગદ્દારી થઈ છે તે વાત સાચી છે. પ્રેશર ટેકનિક, પૈસા અને લાલચ સહિતની વસ્તુનો ભોગ બન્યા છે. આ કારણથી કોંગ્રેસની આબરૂનું ધોવાણ થયું છે તેવું પણ કાર્યકરોને લાગી રહ્યું છે. આ ઉપરાંત કલેક્ટર કચેરીમાં હાજર રહેલા કોંગ્રેસના કેટલાક કાર્યકરો તો કુંભાણી સામે રીતસર આક્રોશ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા અને કુંભાણી ગદ્દાર છે તેવી વાતો કરી રહ્યાં હતા.
રાજકીય ગેમ રમાઈ હોવાની આશંકા
સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી સામે જ આંગળી ચીંધાઈ રહી છે. ઉમેદવારના ફોર્મને લઈને કોંગ્રેસની બેદરકારી છતી થઇ છે. આ ઉપરાંત કોંગ્રેસમાં ચર્ચા છે કે, ખરેખર નિલેશ કુંભાણીનુ ફોર્મ રદ થયું છે કે કોઈ રાજકીય ગેમ રમાઇ ગઇ છે. સૂત્રોના મતે, કોગ્રેસ પક્ષની વંડી ઠેકીને કેસરિયો ખેસ ધારણ કરનારાં એક વર્તમાન ધારાસભ્ય અને એક પૂર્વ ધારાસભ્યએ આ ગેમ પાછળ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. નવાઈની વાત એ છે કે, કોંગ્રેસના ઉમેદવાર કુંભાણીના નજીકના માણસો જ ભાજપના હાથે ખરીદાઈ ગયા ત્યાં સુધી પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી ઉઘતી રહી. હવે જ્યારે ઉમેદવારનું ફોર્મ રદ થયું છે ત્યારે પ્રદેશ નેતાઓએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ભાજપ પર ઠીકરું ફોડ્યું છે.