'રાજકોટ જઈશું અને રૂપાલાના..' અટકાયત વચ્ચે કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહનું એલાન
Lok Sabha Elections 2024 | પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી અને ઉમેદવારીનો વિવાદ હવે ગરમાતો જઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓએ જ્યારથી જોહરની વાત કરી છે ત્યારે કરણી સેનાના આગેવાનોએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. આ દરમિયાન કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિલાપાલ સિંહ મકરાણા પણ અહીં આવી પહોંચ્યા હતા. બોપલમાં તેઓ જોહરની ચીમકી ઉચ્ચારનારી ક્ષત્રિયાણીઓને સમજાવવા પહોંચ્યા હતા. અહીં તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી. તેમણે આ દરમિયાન રૂપાલા અને ભાજપને ઘેરતાં આકરા પ્રહારો કર્યા હતા.
શું બોલ્યાં મહિપાલસિંહ મકરાણા...?
મહિપાલ સિંહ મકરાણાએ પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે દરેક લોકોનું સ્વાભિમાન હોય છે. રાજપૂત હોય કે દલિત, તમામ મહિલાઓનું માન સરખું હોય છે. આજે એવા દિવસો આવી ગયા છે કે ક્ષત્રિયાણીઓએ હવે જોહર કરવા મજબૂર થવું પડી રહ્યું છે. જો અમારી બહેનો જોહર કરવાની જીદ નહીં છોડે અમારે આગળ આવવું પડશે. અમે હાલ તેમને મનાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.
આર-પારની લડાઈ લડવાના મૂડમાં ક્ષત્રિયો
તેમણે કહ્યું કે અમે હવે ભાજપ અને રૂપાલાનો ઉપાય શોધી કાઢ્યો છે. સાંજ સુધીમાં રાજકોટ રવાના થઇશું અને રૂપાલાની લોકપ્રિયતા ધરાવતા તમામ ક્ષેત્રોમાં સભાઓ ગજવીશું. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે દરેક વખતે અમારી બહેન-દીકરીઓને જ નિશાન બનાવાય છે. જો મારા વિશે કંઈ બોલ્યા હોત તો અમે માફ કરી દીધા હતા. હવે અમે નક્કી કરી લીધું છે - કમળ નો ફૂલ અમારી ભૂલ એવા સૂત્ર સાથે આગળ વધીશું. અબ કી બાર સંસદ બહાર ફેંકવાની તૈયારી છે. જ્યારે પણ સન્માનની વાત આવશે અમે આર પારની લડાઈ લડીશું.
24 રાજ્યોમાં કરણી સેના રૂપાલાનો મુદ્દો ઊઠાવશે
મહિપાલ સિંહ મકરાણાએ મોટું એલાન કરતાં કહ્યું કે 24 રાજ્યોમાં જઈને કરણી સેનાના માધ્યમથી અમે રૂપાલાનો મુદ્દો ઊઠાવીશું. બોયકોટ ભાજપના બેનરો લગાવીશું. અમારા સમાજમાં હાલ બે ફાંટા દેખાઈ રહ્યા છે, સમાજ એક હોત તો ક્યારનું અલ્ટીમેટમ આપી દીધું હોત.