ભાજપના 'ક્ષત્રિયો' પણ સમાજને મનાવવામાં 'નિષ્ફળ', રૂપાલાને બદલે તો ભાજપને ફસાઈ જવાનો 'ડર'
Lok Sabha Elections 2024 | ક્ષત્રિયોને મનાવવામાં ભાજપ પ્રદેશ નેતાગિરી નિષ્ફળ રહી છે. ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય કોર કમિટીના સભ્યો સમક્ષ પણ ભાજપના ક્ષત્રિય નેતાઓનુ કંઈ ચાલ્યું ન હતું. ક્ષત્રિયો કોઈનુંય માનવા તૈયાર નથી. સ્ત્રી સન્માનની વાતને લઈને રોષે ભરાયેલા ક્ષત્રિયો હવે આરપારની લડાઈ લડવા સજજ થયા છે. એટલું જ નહીં, ગુજરાતના રાજવી પરિવારો પણ મેદાને પડ્યા છે. ક્ષત્રિય મતદારો પણ ભાજપની મજબૂત વોટબેન્ક છે પણ ભાજપના ક્ષત્રિય ધારાસભ્યો આ આખાય પ્રકરણને ઠંડુ પાડવામાં નિષ્ફળ સાબિત થયા છે ત્યારે હવે ગુજરાત ભાજપ બરોબરનું ભેરવાયુ છે. હવે ક્ષત્રિયો કોનું માને છે તે જોવાનું રહ્યું.
ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો મુદ્દો ચગ્યો છે જેના કારણે આગામી લોકસભાની ચૂંટણી સમયે ગુજરાતમાં નવા રાજકીય સમીકરણો સર્જાઈ શકે છે. ક્ષત્રિય- પાટીદારો વચ્ચેના સંઘર્ષને પગલે કઈક નવા જૂનીનો સંકેત છે. આ ભીતિને પગલે હાઇકમાન્ડે ગુજરાત ભાજપ પ્રદેશ નેતાઓને સજાગ રહેવા ખાસ આદેશ આપ્યો છે.
રૂપાલા ટિપ્પણી વિવાદ વકર્યો છે ત્યારે મુખ્યમંત્રીએ દિલ્હી જઇને હાઈકમાન્ડને ગુજરાતની વર્તમાન પરિસ્થિતીનો ગ્રાઉન્ડ રિપોર્ટ આપી દીધો છે. ભાજપ હાઈકમાન્ડ રાજકોટ બેઠક પર રૂપાલાને બદલવાના મતમાં નથી. ક્ષત્રિયોની માગ સ્વિકારાય તેવી શક્યતા ઓછી છે ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી પણ શક્યતા વધુ છે.
ક્ષત્રિયોનો વિરોધવંટોળ હજુય યથાવત રહ્યો છે. ગુજરાતમાં દેખાવો- રેલી યોજીને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ સંજોગોમાં હવે પાટીદારો ય રૂપાલાના સમર્થનમાં મેદાને પડ્યા છે. રાજકોટ અને વડોદરામાં તો પાટીદારોએ બેઠકનો દોર શરૂ કર્યો છે. આ જોતાં ભાજપ હાઈકમાન્ડે ફાળ પડી છે. જો રૂપાલાને બદલવામાં આવે તો પાટીદારો ય ભાજપ સામે માથુ ઉંચકી શકે છે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
બે સમુદાયની લડાઈમાં ગુજરાતમાં નવા રાજકીય સમીકરણોનું આયામ રચાઈ શકે છે. તે જોતાં ગુજરાતમા લોકસભાની ચૂંટણી પર અસર પડી શકે છે. આ કારણોસર ભાજપ હાઈકમાન્ડે પ્રદેશ નેતાઓને કઇંક નવાજૂની ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી છે. ટૂંકમાં, વર્તમાન રાજકીય પરિસ્થિતીને જોતાં ભાજપ હાઈકમાન્ડ કોઈ ફેરફાર કરવાની તરફેણમાં નથી. ભાજપને આશા છેકે, ડેમેજકંટ્રોલને પગલે બધુય થાળે પડી જશે.