'બે-ત્રણ રતનદુખીયા વિરોધ કરી રહ્યાં છે...' ક્ષત્રિય દેખાવકારો અંગે વધુ એક ભાજપ નેતાનો 'બફાટ'
Lok Sabha Elections 2024 | મોરબીમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના કાર્યાલય ઉદ્ઘાટન ટાણે કરણી સેનાના યુવાનો ધસી ગયા હતા અને નારેબાજી કરીને વિરોધ કર્યો ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ બે-ત્રણ રતનદુખિયા વિરોધ કરી રહ્યા છે તેવી ટીપ્પણી કરતા ફરી રોષ ભભૂક્યો હતો.
આ સામે જયદેવસિંહ જાડેજાએ સંભળાવ્યું કે આખો સમાજ વિરોધ કરી રહ્યો છે અને તે તેમને અમારા વિરોધની અસર 7 મેના રોજ મતદાનમાં દેખાશે. અમૃતિયાના આ વાણી વિલાસ સામે પણ ક્ષત્રિયોમાં રોષ જાગ્યો હતો. આ ઉમેદવારનો જ્યારે કચ્છના વાગડ વિસ્તારમાં પ્રચાર થતો હતો ત્યારે તેને પણ ક્ષત્રિયોએ અટકાવતા ઉગ્ર ઝપાઝપી થઈ હતી અને ઉમેદવારના ડ્રાઈવરે હાથમાં ધોકો લીધાની તસ્વીરો વાયરલ થઈ હતી.
મોરબીના મોટી વાવડી ગામે ક્ષત્રિયોની સભામાં ભાજપનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો અને ભાજપ સામે જે પણ ઉમેદવાર હોય તેને મત આપવાની ઝુંબેશ સમગ્ર પંથકમાં શરૂ કરાઈ હતી. ક્ષત્રિયોની સાથે સાથે અન્ય સમાજના લોકો પણ બેઠકમાં હાજર રહ્યા હતા.