રૂપાલા મામલે ભાજપના ડેમેજ કન્ટ્રોલનો ફિયાસ્કો, ગામડામાં નેતાઓને નો-એન્ટ્રી, નારેબાજી પણ કરાઈ
Lok Sabha Elections 2024 | રૂપાલાની ટિપ્પણી બાદ ભાજપે ક્ષત્રિયોના મનામણાં માટે આકાશ પાતાળ એક કર્યા બાદ પણ હજુ મેળ પડયો નથી. ડેમેજ કંટ્રોલનો તો જાણે ફિયાસ્કો થયો છે. હજુય ક્ષત્રિયોનો ગુસ્સાનો પારો સાતમા આસમાને છે. અત્યારે પણ એવી સ્થિતી છે કે, ભાજપના નેતાઓને ગામડામાં પ્રચાર કરતાં વિરોધ સહન કરવો પડી રહ્યો છે.
એવુ જાણવા મળ્યું કે, રામપુરા ગામમાં હાર્દિક પટેલ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ધાટન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે ક્ષત્રિયો દ્વારા હાર્દિક પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અગાઉ પણ હાર્દિક પટેલને ક્ષત્રિયોનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
આવું જ કઈક પાટણ જિલ્લાનું સરસ્વતી તાલુકાના ચારુપ ગામ બન્યુ હતું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતને પોતાના જ ગામ સભામાં ક્ષત્રિયોંના રોષનો ભોગ બનવુ પડ્યું હતું. ક્ષત્રિયોએ જય ભવાનીના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે ક્ષત્રિયો યુવાનોની અટકાયત કરી હતી. બબાલ થતાં મંત્રી બળવંતસિંહને ચૂંટણી પ્રચારની તક મળી ન હતી.