'ગદ્દારને ઉઘાડો પાડીશ...' ક્ષત્રિય સંકલન સમિતિથી રાજીનામાની વાતો અફવા, પી.ટી.જાડેજાનો ઘટસ્ફોટ
Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં તમામ બેઠકો પર મતદાન પૂરું થઇ ગયું છે. આ દરમિયાન સૌથી વધુ ચર્ચાનો મુદ્દો રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજની નારાજગી રહી. આખા રાજ્યમાં દેખાવો કરવામાં આવ્યા. જેનું નેતૃત્વ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ કર્યું. હવે મતદાન પૂરું થઈ ગયા બાદ સંકલન સમિતિમાં જ ફાંટા પડી ગયાના દાવા કરાયા હતા. જેમાં એવા અહેવાલ હતા કે સંકલન સમિતિના સભ્ય પી.ટી.જાડેજાએ સમિતિને ગદ્દાર ગણાવતાં રાજીનામું આપી દીધું હતું. પરંતુ એવું નથી. તેમણે રાજીનામું નથી આપ્યું.
શું બોલ્યાં પી.ટી.જાડેજા....?
હવે આ મામલે તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે મને સવારથી ફોન આવી રહ્યા છે અને અહેવાલ મળી રહ્યા છે કે મેં રાજીનામું આપી દીધું છે પરંતુ એવું કંઈ જ નથી. મેં રાજીનામું નથી આપ્યું અને હું આપવાનો પણ નથી. તેમણે રાજીનામાના અહેવાલોને અફવા ગણાવતાં કહ્યું કે મારે જે નારાજગી હતી તેને લઇને મને હજારો-લાખો યુવાનોએ સમર્થન આપ્યું. મારે જે તકલીફ હતી તેને લઇને મેં ફક્ત મારી રજૂઆત કરી હતી. મેં રાજીનામું આપી દેવાની વાત કહી હતી પણ આપ્યું નહોતું અને આપવાનો પણ નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પદ્મિનીબા વાળાનું પણ ક્ષત્રિય સંકલન સમિતિથી મોહભંગ થયો હતો. ત્યારબાદ પી.ટી.જાડેજાએ પણ રાજીનામું ધરી દીધું છે એવા અહેવાલો ફરતાં કરાતાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા હતા.
સંકલન સમિતિ વિશે શું બોલ્યાં?
તેમણે પોતાના રાજીનામાના અહેવાલોને રદીયો આપતાં કહ્યું કે મેં કોઈ રાજીનામું આપ્યું નથી. સંકલન સમિતિ હંમેશા રહેશે અને કાયમ રહેશે સાથે મજબૂત પણ થશે. મેં મારી ક્લિપ 14 લોકોની કમિટીમાં મારી ક્લિપ મૂકી હતી. એમાંથી કોણ ફૂટ્યો એ જોવાનું રહેશે. હું આ મામલે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ પણ કરીશ. હું ગદ્દારને પકડી પાડીશ.