ક્ષત્રિયો બન્યાં પડકાર, ક્યાંક ભાજપના કાર્યકરો પ્રચાર છોડી ભાગ્યા, ક્યાંક ઉમેદવારો રુટ બદલવા મજબૂર
Image : Representative Image |
Lok Sabha Elections 2024 | રૂપાલા વિવાદમાં ભાજપની મુશ્કેલી વધતી જઈ રહી છે. ક્યાંક કાર્યકરો અને ઉમેદવારોને પ્રચાર કરતાં રોકવામાં આવી રહ્યા છે તો ક્યાંક રુટ બદલવા ફરજ પાડવામાં આવી રહી છે. ક્ષત્રિયોના દેખાવોને પગલે ભાજપ સામે ફક્ત રાજકોટમાં જ નહીં પરંતુ ગુજરાતના અનેક ભાગોમાં પડકારો ઊભા થઇ રહ્યાં છે.
આણંદ જિલ્લાના ઉમરેઠના ઢાગપાલ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા ભાજપના કાર્યકરોને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડયો હતો. મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ એકઠા થઇ ભાજપ અને રૂપાલા વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ક્ષત્રિયોનો રોષ જોઈને ભાજપના કાર્યકરોએ ચૂંટણી પ્રચાર પડતો મુકી વીલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી.
નોંધપાત્ર છે કે ઉમરેઠના ચોરાવગા વિસ્તારમાં પણ ગઇકાલે ક્ષત્રિયોનો વિરોધ જોઇ ભાજપના કાર્યકરોએ ભાગવું પડ્યું હતું. ઉમરેઠમાં ક્ષત્રિય વસ્તાવાળા વિસ્તારોમાં પંદરેક દિવસ પહેલા રૂપાલાના વિરોધના બેનરો લાગ્યા હતા. માંગણી છતાંય ભાજપે રૂપાલાની ટિકિટ રદ ન કરતા વિફરેલા ક્ષત્રિયો આક્રમક બન્યા છે. ઉમરેઠ ગામના રાજપૂત સમાજની મહિલાઓએ કુળદેવીના સોગંધ ખાઇ ભાજપની વિરૂદ્ધમાં મતદાન કરવાના શપથ લીધા હતા. ઉમરેઠ તાલુકાના હમીદપુરા ગામે ભાજપના પ્રચાર અર્થે ગયેલી બહેનોને પણ ક્ષત્રિય સમાજના કેટલાક યુવકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર સામે ક્ષત્રિય સમાજે વિરોધ રુપી આંદોલન પાર્ટ-૨ ની સોમવારથી શરુઆત કરી છે જેની અસર સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર જોવા મળી. મંગળવારે ભાજપના મહિલા ઉમેદવાર હિંમતનગર તાલુકાના હાપા અને દેધરોટામાં પ્રચાર માટે ગયા ત્યારે ક્ષત્રિય સમાજે વિરોધ કરી પ્રચાર કરતાં અટકાવતાં પોલીસ દોડી હતી અને સમજાવટનો પ્રયાસ કર્યો હતો. આખરે ઉમેદવાર અને ટેકેદારોને રુટ બદલવાની ફરજ પડ્યાની વિગતો સામે આવી છે.
સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા, ભાજપના આગેવાનો અને સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર માટે હિંમતનગર તાલુકાના હાપા ગામે પહોંચ્યા હતા જ્યાં ક્ષત્રિય સમાજના યુવાનોએ ચૂંટણી સભા ન યોજવા દેવાની ચીમકી આપી હતી અને સભા થવા દીધી ન હતી.
ભાજપના અગ્રણીના ગામમાં ભાજપને સભા કરવામાં અડચણ ઉભી થતાં સંગઠન પણ ચિંતામાં મૂકાયાનું જાણવા મળ્યું છે. જ્યારે દેધરોટા ગામમાં ઉમેદવાર પ્રચાર માટે પહોંચ્યા ત્યારે પણ ક્ષત્રિય સમાજના યુવાનોએ ઉગ્ર વિરોધ કરતાં પોલીસ દોડી આવી હતી અને મામલો વધુ બિચકે તે અગાઉ પોલીસે દરમ્યાનગીરી કર્યા પછી ઉમેદવારને રુટ બદલવાની ફરજ પડ્યાનું બહાર આવ્યું છે.