રૂપાલા અને ધાનાણીને ચૂંટણી પંચની નોટિસથી ભાજપ-કોંગ્રેસ બંને ટેન્શનમાં, જાણો શું છે મામલો
Lok Sabha Elections 2024 | પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિયો અંગેની ટિપ્પણી બાદથી ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં અનેક બેઠકો પર કપરાં ચઢાણ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસે રૂપાલા સામે પરેશ ધાનાણી જેવા કદાવર નેતાને મેદાને ઉતારી દેતાં રાજકોટની બેઠક હાઈપ્રોફાઈલ બની ગઈ છે. આ સૌની વચ્ચે ચૂંટણીપંચે હવે એક મામલે રૂપાલા અને ધાનાણી બંનેને નોટિસ ફટકારતાં ભાજપ-કોંગ્રેસ એમ બંનેના ટેન્શન વધી ગયા છે.
શું છે મામલો?
રાજકોટથી ચૂંટણીના યુદ્ધમેદાને સામ-સામે ઉતરેલા ભાજપના વિવાદિત ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણીનું ટેન્શન વધી ગયું છે. બંનેએ અત્યાર સુધી ચૂંટણી ખર્ચની વિગતો સમયસર રજૂ ન કરતાં આ નોટિસ ફટકારાઈ છે. આ મામલે બંને ઉમેદવારોએ ચૂંટણીપંચને ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે થોડોક સમય માગ્યો છે.
આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ થઇ હતી...
રૂપાલાની અનેક સભાઓને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ થઇ હતી. કોંગ્રેસ દ્વારા આ ફરિયાદ નોંધાવાઈ હતી. રૂપાલા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરાઈ હતી. ચૂંટણી પંચ હાલમાં આ મામલે તપાસ પણ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી ક્ષત્રિયો અંગે રૂપાલાએ ટિપ્પણી કરી છે ત્યારથી અત્યાર સુધી તેમની સામે ક્ષત્રિય સમાજે બાંયો ચઢાવી દેખાવો કરવાનું ચાલુ રાખ્યું છે જેના કારણે ભાજપના અન્ય ઉમેદવારોએ પણ ભોગવવું પડી રહ્યું છે.