રાજકોટમાં ક્ષત્રિય આક્રોશ બાદ પત્રિકા કાંડ: પરેશ ધાનાણીના ભાઈ સામે કાર્યવાહી થાય તેવી શક્યતા
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પ્રારંભથી જ રાજકોટ બેઠક ચર્ચામાં રહી છે. હવે 'જાગો લેઉઆ પટેલ જાગો 'એવા શિર્ષક સાથે અનામી પત્રિકા સોશિયલ મીડિયા વાયરલ થતા રાજકારણ ગરમાયુ છે. આ પત્રિકા કાંડમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
પરેશ ધાનાણીના ભાઈની ધરપકડ થઈ શકે છે
રાજકોટમાં લેઉવા પટેલ સમાજની પત્રિકા વાયરલ થવા મુદ્દે શહેર ભાજપ પ્રમુખ મુકેશ પટેલે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. તેમણે લેઉવા અને કડવા પટેલો વચ્ચે વૈમનસ્ય ફેલાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ કમિશનરને સમક્ષ જવાબદારો સામે તાત્કાલિક પગલા લેવા માંગ કરી છે. જો કે, જાગો લેઉવા જાગો પત્રિકા મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ત્યારે લેઉવા પટેલ સંદર્ભે પત્રિકા કાંડ મામલે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈની ધરપકડ થઈ શકે છે.
ચાર પાટીદાર યુવાનોની ધરપકડ કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, પત્રિકા કાંડની તપાસ કરતા એ ડિવિઝન પી.આઈ. હરીપરાએ જણાવ્યું કે, 'ચાર પાટીદાર યુવાનોની અટકાયત કરવામાં આવી છે. જે વિસ્તારમાં પત્રિકા વહેંચાઈ તેના સીસીટીવી ફૂટેજ મેળવાયા છે પરંતુ, આ પત્રિકા કોણે છપાવી અને કોણે વિતરણ કરવા આપી તે અંગે હજુ તપાસ ચાલુ છે.