'રૂપાલાની ટિકિટ નહીં કપાય તો દેશભરમાં બહિષ્કાર થશે...' ક્ષત્રિયોનું ભાજપને 4 દિવસનું અલ્ટીમેટમ
Lok Sabha Elections 2024 | રાજકોટના મોરબી રોડ પર શહેરથી 15 કિ.મી. દૂર રતનપરમાં ખુલ્લા મેદાનમાં ચાર કલાક ચાલેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં અભૂતપૂર્વ જનમેદની વચ્ચે વક્તાઓએ એક સૂરમાં ભાજપને લલકાર કરીને તા.19 સુધીમાં રૂપાલાની ટિકિટ રદ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
તમામ ક્ષત્રિય વક્તાઓએ એવી ઘોષણા કરી હતી કે જો તા.19ના સાંજે ફોર્મ પાછું ખેંચવાનો સમય પૂરો થયે રૂપાલા ચૂંટણી લડતા હશે તો આ આંદોલન માત્ર તેમના એક વિરુદ્ધ નહીં પણ ભાજપ વિરુધ્ધનું થશે અને આંદોલનની આ આગ વધુ ભભુકીને તેની જવાળાઓ ગુજરાતની તમામ 26 બેઠકો સુધી તથા સમગ્ર દેશમાં ફેલાશે તેવી ચેતવણી ઉચ્ચારી હતી. તા.19થી આંદોલન ભાગ-2 શરુ કરાશે. પોલીસના અંદાજ મૂજબ આશરે એકથી સવા લાખની મેદની હતી જ્યારે આયોજકોના મતે 2 લાખથી વધુ ક્ષત્રિયો ઉમટ્યા હતા.
રતનપુરમાં રીતસરનો માનવ સાગર ઘુઘવ્યો હતો. જેમના નામ પાછળ સિંહ લાગે છે તેવા ક્ષત્રિયો સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં તથા હજારો ક્ષત્રાણીઓ કેસરી સાડી પહેરીને ઉમટી પડ્યા હતા. ખુદ વક્તાઓએ કહ્યા મૂજબ 75 વર્ષમાં નથી જોવા મળી તેવી ઐતહાસિક એક્તાના દર્શન આજે થયા છે અમારા સાલિયાણા ગયા, રજવાડા આપ્યા, ટિકિટ ન આપી, મંત્રીપદ ગયાછતાં અમેચૂપ રહ્યા પરંતુ, મર્યાદા નથી તેવા પરશોતમ રૂપાલાના કારણે, તેણે રોટી બેટીના વ્યવહાર કર્યાની ખોટી ટીપ્પણી કરતા સમગ્ર ક્ષત્રિય સમાજનું આ સ્વયંભૂ આંદોલન શરુ થયું છે. આ આંદોલનમાં કોઈનો પણ દોરીસંચાર નથી, તે થઈ શકે તેમ નથી. કોઈ રાજકીય પાર્ટી નથી. પરંતુ, સમાજનું સ્વયંભૂ આંદોલન છે અને અમારી કોર કમિટી પણ આંદોલનને માત્ર માર્ગદર્શન આપવા માટે છે કોઈ આંદોલન અટકાવી શકે તેમ નથી.
ભાજપને રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની એકમાત્ર માગ સાથે યોજાયેલા આ સંમેલનમાં માથા વાઢવાનો નહીં પણ માથા ગણાવવાનો સમય છે તેવા સૂત્ર સાથે માથા ગણ્યા ગણાય નહીં એટલા જોવા મળ્યા હતા. ક્ષત્રિય આંદોલનની સંકલન સમિતિના રમજુભાએ કહ્યું કે રુપલાએ બફાટ કર્યા બાદ માફીનો માત્ર ડોળ કર્યો છે પણ જેમનો પ્રશ્ન હતો તે સમાજને પૂછ્યું જ નહીં. આ સ્વયંભૂ આંદોલન છે તેમાં કોઈ રાજકારણીનો દોરી સંચાર નથી અને થઇ શકે તેમ પણ નથી. આ પૂર્વ આયોજિત લડત પણ નથી.
ટિકિટ રદ એટલા માટે જ કરવી પડશે કેમ કે આ સિવાય હવે ક્ષત્રિય સમાજને બીજું કોઈ સમાધાન ખપતું નથી. કોઈએ અમારો ધર્મ શું છે તે સમજાવવાની જરૂર નથી. બીજા રાજ્યથી આવેલા રાજકુમારીએ કહ્યું કે રૂપાલાએ સિંહના મૂખમાં હાથ નાખ્યો છે. દેશના ક્ષત્રિય આગેવાન મહિપાલ સિંહે કહ્યું કે પોલીસ મને શોધતી હતી પરંતુ હું છુપાતો નથી. જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો બધાએ સંકલ્પ લેવાના છે કે ભાજપની સભામાં નહીં જાય અને ભાજપના ઉમેદવારને ટેકો ન કરે સાથે ભાજપનો બહિષ્કાર કરવામાં આવશે.
કમલમનો ઘેરાવ કરવામાં નિષ્ફળ, રાજકોટમાં ક્ષત્રિયો સફળ
રૂપાલાએ ટિપ્પણી કરતાં કરણી સેનાએ કમલમનો ઘેરાવ કરવા એલાન કર્યું હતું પણ ચેકલુંય ફરક્યું ન હતું. આખાય કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. એક તબક્ક ક્ષત્રિય આંદોલનનું સુરસુરિયુ થયુ હોય તેવુ ચિત્ર ઉભું થયું હતું. પણ આ જ ક્ષત્રિયોએ રાજકોટમાં સંમેલન યોજી હજારની ભીડ એકત્ર કરીને શક્તિ પ્રદર્શન કરવામાં સફળ રહ્યા હતાં.