રાહુલ ગાંધીના નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું, શક્તિસિંહ ગોહિલના ભાજપ પર શાબ્દિક પ્રહાર
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પહેલા (19મી એપ્રિલ) અને બીજા (26મી એપ્રિલ) તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે, જ્યારે સાતમી મેના રોજ ત્રીજા તબક્કાનું થવાનું છે. પરંતુ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને નારાજ છે ત્યારે હવે રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓને લઈને નિવેદન આપ્યું હતું. જેને લઈને વિવાદ છંછેડાયો છે. રાહુલ ગાંધીના નિવેદન પર સી.આર. પાટીલે કહ્યું કે, 'રાજા-મહારાજાઓ અંગેના નિવેદનોથી કોંગ્રેસે તેમની માનસિકતા દર્શાવી છે. કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે તેનાથી રાજા મહારાજાઓ કોંગ્રેસથી દૂર થયા છે.' જો કે, આના પર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વળતો જવાબ આપ્યો છે.
શક્તિસિંહ ગોહિલના ભાજપ પર આકરા પ્રહારો
રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે 'ભાજપે પહેલા બહેન-દીકરીનું અપમાન કર્યું. પછી અહંકાર રાખીને ઉમેદવારની ટિકિટ રદ ન કરી. હવે જે વાત ન થઈ હોય તેને વિકૃત રીતે રજૂ કરવામાં આવી રહી છે. સમાજ ભોળો જરૂર છે પણ મૂર્ખ નથી. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ રાજનીતિ કરવા નીકળ્યું છે. ભાજપના ઉમેદવારે સમગ્ર દેશમાં બહેન-દીકરીઓનું અપમાન કરી રહ્યા છે તેથી દરેક જ્ઞાતીના લોકોમાં રોષ જોવા મળ્યો છે.' નોંધનીય છે કે શક્તિસિંહે વડાપ્રધાન મોદીનો એક વીડિયો મીડિયા સામે બતાવી કહ્યું હતું, કે 'વડાપ્રધાન તો સંસદમાં બોલ્યા હતા કે રાજાઓના અંગ્રેજ સાથે ગાઢ સંબંધ હતા, અને જો હું ખોટો હોઉં તો મને જેલમાં નાંખી દો.'
રાહુલ ગાંધીનું રાજા-મહારાજા પર નિવેદન
શનિવારે (27મી એપ્રિલ) રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક જનસભાને સંબોધતા રાજા મહારાજા પર નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'રાજા-મહારાજાઓનું શાસન હતું, તેઓ જે ઈચ્છતા તે કરી શકતા હતા, કોઈની પણ જમીનની તેમને જરૂર હોય તો તે લઈ લેતા હતા.'
રાહુલના નિવેદન પર હર્ષ સંઘવીનો પલટવાર
રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપએ આકરા પ્રહાર કર્યા છે. ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું હતું કે 'કોંગ્રેસના યુવરાજે ભૂલી ગયા કે રાજા-મહારાજાઓ એ દેશને રજવાડા અર્પણ કર્યા. જે ઈચ્છા થઈ એ કોંગ્રેસની સરકારે ઉઠાવ્યું અને લૂંટ્યું.'