વિવાદ વચ્ચે પણ રૂપાલા પર ભાજપ 'મહેરબાન'! ખાસ યાદીમાં સ્થાન આપતાં ક્ષત્રિયોમાં રોષ ભભૂક્યો
Lok Sabha Elections 2024 | લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે પ્રચારને વધુ જોશીલો બનાવવા તૈયારીઓ આદરી છે. બે દિવસ પહેલા ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના કુલ મળીને 40 સ્ટાર પ્રચારોની યાદી જાહેર કરી હતી. ક્ષત્રિયોના વિરોધવંટોળ વચ્ચે ફરી ભાજપે પરષોત્તમ રૂપાલાને સ્ટાર પ્રચારક બનાવી દેતાં પણ ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ જોતાં આ વિવાદ વધુ ઘેરો બને તેવી સંભાવના છે. ક્ષત્રિયોમાં હવે ઠેર ઠેર ભાજપના આ નિર્ણયને લઈને પણ રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે.પી.નડ્ડા, યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઇરાની, નિતિન ગડકરી, હેમંત બિસ્વા, મનોજ તિવારી ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો સમાવેશ કરાયો છે. ક્ષત્રિયો અંગેની ટિપ્પણીને લઈને પહેલાથી રૂપાલા સામે રોષ યથાવત્ છે અને હવે ભાજપે સ્ટાર પ્રચારકની યાદીમાં રુપાલાને સ્થાન આપી ક્ષત્રિયોના ઘા પર મીઠું ભભરાવાનું કામ કર્યું હોય તેવું લાગે છે જેના લીધે વિરોધ વંટોળ વધતો જઈ રહ્યો છે. ગઇકાલે જ રાજકોટમાં મોટાપાયે મહાસંમેલનમાં ભાજપ સામે ચેતવણી ઉચ્ચારી દેવામાં આવી હતી કે જો આગામી 19 એપ્રિલ સુધી રુપાલાની ટિકિટ રદ નહીં કરાય તો દેશભરમાં ક્ષત્રિયોનું આંદોલન વકરશે. જે ભાજપને ભારે પડી શકે છે.
આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ, મહામંત્રી રત્નાકર, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નિતિન પટેલ, મનસુખ માંડવિયા, મંત્રી ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, યુવા પાટીદાર નેતા ધારાસભ્ય હાર્દિક પટેલની બાદબાકી કરવામાં આવી છે. ચૂંટણી પ્રચારથી હાર્દિક પટેલને કોરાણે મૂકાતાં તર્કવિતર્ક વહેતા થયા છે. ક્ષત્રિયો વિરૂદ્ધ ટિપ્પણી કરતાં રૂપાલા વિવાદમાં ઘેરાયા છે. રાજકોટમાં લાખો ક્ષત્રિયોએ સંમેલન યોજી રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરી છે.
આ વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યારે ભાજપે ફરી રૂપાલાની તરફેણ કરી હોય તેમ લાગી રહ્યુ છે કેમકે, પરષોતમ રૂપાલાની સ્ટાર પ્રચારક તરીકે પસંદગી કરવામાં આવી છે. ક્ષત્રિય આંદોલન વચ્ચે રૂપાલા આખાય ગુજરાતમાં સભા ગજવીને ભાજપનો ચૂંટણી પ્રચાર કરશે. જે રીતે રૂપાલાને સ્ટાર પ્રચારક બનાવાયા છે તે જોતાં આગામી દિવસોમાં ક્ષત્રિય આંદોલન વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.