રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપનો ગેમપ્લાન ફેલ! કાઠી આગેવાનોની આ હરકતથી સમાજ ગુસ્સે થયો
Lok Sabha Elections 2024 | રાજકોટના ઉમેદવાર રૂપાલા સામે રાજ્યભરમાં વ્યાપેલો રોષને ભાજપના ઈશારે ગઈકાલે રાજકોટ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને કેટલાક કાઠી દરબાર આગેવાનોએ રૂપાલાને માફી, આંદોલન પૂરું કરવાની વાત કરતા આંદોલન ઉપર પાણી નહીં પણ પેટ્રોલ છંટાયું હોય તેમ કાઠી દરબારોમાં વધુ રોષ ભડક્યો છે અને સપાટી પર આવ્યો હતો.
ઠેરઠેર કાઠી ક્ષત્રિય સમાજે નિવેદનો,પ્રેસ કોન્ફરન્સ કરીને ઉપરોક્ત ગણ્યાગાંઠ્યા આગેવાનો સાથે સમાજ જરાય સહમત નથી અને ક્ષત્રિય સમાજની સાથે ખભેખભા મિલાવીને રહેશું તેમ જાહેર કર્યું છે.તો જામનગરમાં પુરબિયા રાજપૂત ક્ષત્રિય સમાજે (મૂળ રાજસ્થાનના )એ જિલ્લા કલેક્ટર કચેરીએ ઉગ્ર સૂત્રોચ્ચારો,દેખાવો યોજીને રૂપાલાની ટિકીટ રદ કરવા માંગણી કરી હતી.
કમલમૂથી જારી નિવેદન સામે આજે સૌરાષ્ટ્રના ઈતિહાસમાં આજે પણ જેમના નામે લોકોના હૈયે અને હોઠે છે તે જોગીદાસ ખુમાણ અને રામ વાળાના વંશજો ભરત વાળા અને પ્રતાપ ખુમાણ સહિત કાઠી સ્ટેટના રજવાડાના પ્રતિનિધિઓ અહીંના રજપૂતપરામાં ગરાસિયા બોર્ડિંગમાં મીડિયા સમક્ષ જણાવ્યું કે કેટલાક આગેવાનોએ રૂપાલાના સમર્થનમાં નિવેદન આપ્યું તેની સાથે કાઠી ક્ષત્રિય સમાજ જરા પણ સહમત નથી. આ નિવેદન સામે સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. એ નિવેદન કરનારાને કોઈ પ્રેસર આવ્યું હોય અથવા ભાજપ સાથે જોડાયેલા હોવાથી બોલવું પડયું હોય. પરંતુ, અમે કાઠી ક્ષેત્રિય સમાજ તન, મન અને ધનથી ક્ષત્રિયોની માંગ અને આંદોલનમાં સાથે જ છીએ અને રહેવાના છીએ. કોઈ પાસે ઝૂકવાના નથી.
અડતાળા, માપાપાદર, ચોટીલા, સનાળા, સૂર્યપ્રતાપગઢ, ભાયાવદર, ડેડાણ, આણંદપર, સાવરકુંડલા અને વાવડી સ્ટેટના કાઠી ક્ષત્રિય આગેવાના ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં જણાવ્યું કેસૌરાષ્ટ્રના સોએકનાના- મોટા રજવાડા કાઠી દરબારોના હતા, ભાયુભાગની પ્રથાથી ઘણા રજવાડા નાના હતા.
કાઠીયાવાડનું નામ જેના પરથી પડ્યું તે કાઠી દરબાર કોઈપણ સમાજની બેન-દિકરીનું અપમાન સહન કરી શકે નહીં ત્યારે અહીં તો રૂપાલાએ અમારી બેન-દિકરીઓને નીચા દેખાડતું નિવેદન કર્યું છે તે માફ ન જ કરી શકાય. અમને ભાજપ સામે લેશમાત્ર વિરોધ નથી, રામમંદિર સહિતના કામોથી ખુશી છે પણ રૂપાલાને હટાવવા બે દિવસનું અલ્ટીમેટમ આપીએ છીએ. રૂપાલા સિવાયના કોઈ પણ ઉમેદવાર સ્વીકાર્ય છે.આવતીકાલે રાજકોટસંમેલનમાં કાઠી સમાજ પણ મોટી સંખ્યામાં ઉમટી પડશે.